એક દોરી હલાવવાથી સૂર્યોદય થાય અને ફરી હલાવવાથી સૂર્યાસ્ત થાય એવા આર્ટિસ્ટિક એન્જિનિયરિંગવાળા નમૂના તેમણે તૈયાર કર્યા છે.
હાઓશુઓ લિન
લાકડીને કોતરીને એમાંથી જાતજાતનાં આર્ટવર્ક તૈયાર કરવાની કળા તો હવે ખૂબ ફેમસ થઈ ચૂકી છે, પરંતુ અમેરિકાના લૉસ ઍન્જલસમાં રહેતા હાઓશુઓ લિન નામના કલાકારભાઈ આર્ટ અને એન્જિનિયરિંગના સંગમથી લાકડાનું હાલતુંચાલતું આર્ટવર્ક બનાવે છે. દરેક ટુકડાને એવી રીતે બનાવેલો છે કે એમાં ક્યાંક એક ભાગને દબાવવા કે ખેંચવાથી એ જાણે જીવતું થઈ ગયું હોય એમ હલવા લાગે છે. ગોળ આંટા મારતું ભૂંડ હોય કે પછી જાણે મિની સર્કસ હોય એવાં જાતજાતનાં ચગડોળ - હાઓશુઓનું દરેક આર્ટવર્ક હાલતુંચાલતું હોય છે. હવે તેણે એમાં લાઇટિંગ ગોઠવીને મનમોહક દૃશ્યોનું નિર્માણ થાય એવું કર્યું છે. એક દોરી હલાવવાથી સૂર્યોદય થાય અને ફરી હલાવવાથી સૂર્યાસ્ત થાય એવા આર્ટિસ્ટિક એન્જિનિયરિંગવાળા નમૂના તેમણે તૈયાર કર્યા છે. હાઓશુઓનું કહેવું છે કે તેનું પ્રત્યેક આર્ટવર્ક કોઈ પીસ નથી પરંતુ એક વાર્તા કહેતી જીવંત ગાથા છે.


