ડેન્ગી જ્યારે કૉમ્પ્લીકેટેડ ડેન્ગી બની જાય છે એ અવસ્થા છે ડેન્ગી શૉક સિન્ડ્રૉમ જેમાં વ્યક્તિનું બ્લડપ્રેશર ઘટી જાય છે અને લોહીના પરિભ્રમણ પર અસર પહોંચે છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ડેન્ગી એક વેક્ટર-બોર્ન ડિસીઝ છે જે મચ્છરના કરડવાથી ફેલાય છે. એટલે કે જે વ્યક્તિને ડેન્ગી થયો હોય એ વ્યક્તિને મચ્છર કરડે તો એ રોગનાં જંતુ એ મચ્છરની લાળમાં જતાં રહે અને પછી જયારે એ બીજી વ્યક્તિને કરડે ત્યારે એ ફેલાય. ડેન્ગી જે મચ્છરથી ફેલાય છે એનું નામ છે એડીસ ઇજિપ્તાઇ. આ મચ્છર દિવસના સમયે ખાસ કરીને કરડે છે. ડેન્ગી એક સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન જ છે જે દવાઓ, સપોર્ટિવ ટ્રીટમેન્ટ દ્વારા મોટા ભાગે ઠીક થઈ જાય છે. આ ઇન્ફેક્શનમાં ૮૦ ટકા કેસમાં એવું બને છે કે આ ઇન્ફેક્શન માઇલ્ડ પ્રકારનું હોય છે બાકીના ૨૦ ટકા કેસમાંથી ૫-૧૦ ટકા કેસ એવા હોય છે જે સિરિયસ કહી શકાય. એ કેસ એવા ગંભીર હોય છે કે આ ઇન્ફેક્શનની અસર તેમના પર ઘાતક સાબિત થાય છે.
ડેન્ગી જ્યારે કૉમ્પ્લીકેટેડ ડેન્ગી બની જાય છે એ અવસ્થા છે ડેન્ગી શૉક સિન્ડ્રૉમ જેમાં વ્યક્તિનું બ્લડપ્રેશર ઘટી જાય છે અને લોહીના પરિભ્રમણ પર અસર પહોંચે છે. આ સિવાય હૅમરેજિક ફીવરમાં લોહીના પરિભ્રમણને લગતી તકલીફને કારણે હૅમરેજ થવાનો ભય રહે છે. આ સિવાય મલ્ટિ-ઑર્ગન ફેલ્યર પણ એક મહત્ત્વનું કારણ છે. ડેન્ગીની અસર અંગો પર થાય તો એ ફેલ થઈ શકે છે. વળી એવું નથી કે યુવાન લોકોને કંઈ થઈ ન શકે. ડેન્ગીની ગંભીરતા બે વસ્તુ પર આધાર રાખે છે, એક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ અને બીજી, વાઇરસની તીવ્રતા. જો વાઇરસની તીવ્રતા ખૂબ વધારે હોય અને એ ખૂબ ઝડપથી શરીરમાં ફેલાઈ રહ્યા હોય તો રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રૉન્ગ હોવા છતાં એને ન પહોંચી વળે એવું બને. એટલે જો યુવાન વયે પણ જે ઇન્ફેક્શન થાય એ તીવ્ર હોય તો તકલીફ વધી શકે છે.
ADVERTISEMENT
ડેન્ગીની શરૂઆતી ટ્રીટમેન્ટમાં વ્યક્તિને ભરપૂર પાણી આપવામાં આવે છે, જે ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણા દરદીઓને ઝાડા-ઊલટીના માધ્યમથી પેટમાં પાણી ટકતું નથી. તાવ આવતો હોય તો પૅરાસિટામોલ ડૉક્ટર આપતા હોય છે. જો દરદીને ઝાડા-ઊલટીનાં ચિહનો ન હોય તો પાણી પીવડાવતા રહેવાથી પ્રૉબ્લેમ ઓછો થઈ શકે છે પરંતુ જો તેના પેટમાં એ ન ટકે તો ગ્લુકોઝ આપવામાં આવે છે. આ હાઇડ્રેશન ખૂબ જ મહત્ત્વનું છે. આ સિવાય ડેન્ગીમાં લોહીમાંના પ્લેટલેટ કાઉન્ટ ૧૦,૦૦૦થી ઓછા થઈ જાય તો એને કારણે લોહી ગંઠાવાનું કામ થતું નથી. જો કોઈ જગ્યાએથી શરીરમાં ઇન્ટરનલ બ્લીડિંગ ચાલુ થઈ જાય તો પ્લેટલેટ ઓછા હોવાને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આમ સાવચેત રહેવું જરૂરી છે.

