આમિર ખાન રીના સાથે પરણેલો હોવા છતાં બ્રિટિશ લેખિકા જેસિકા હાઇન્સ સાથે અફેર કરીને બન્યો દીકરાનો પિતા, મને માસી સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો પરિવાર
ફૈઝલ ખાન અને આમિર ખાન
આમિર ખાનના નાના ભાઈ અને ઍક્ટર-ડિરેક્ટર ફૈઝલ ખાને અચાનક સોમવારે એક પ્રેસ-કૉન્ફરન્સ યોજીને પોતાના પરિવાર અને ખાસ કરીને આમિર ખાન, માતા ઝીનત, બહેન નિખત અને બનેવી સંતોષ હેગડે પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ પ્રેસ-કૉન્ફરન્સમાં ફૈઝલે પોતાની પર્સનલ લાઇફ, પરિવારના વિવાદ અને આમિરના અંગત સંબંધો વિશે ખુલાસા કર્યા છે. ફૈઝલે હવે તેના પરિવાર સામે મોરચો ખોલ્યો છે. આ વખતે ફૈઝલે પરિવાર સાથેના તમામ સંબંધ તોડી નાખવાની જાહેરાત કરી દીધી છે. ફૈઝલે શું-શું કહ્યું છે એ વાંચો...
આમિરના અંગત જીવન પર પ્રહાર
ADVERTISEMENT
મારાં પ્રથમ લગ્ન ઑગસ્ટ ૨૦૦૨માં થયાં હતાં, પરંતુ ડિસેમ્બર ૨૦૦૨માં તૂટી ગયાં હતાં. ત્યાર બાદ ૨૦૦૩થી મારો પરિવાર સતત મારા પર લગ્ન કરવાનું દબાણ કરતો રહ્યો. મેં વારંવાર કહ્યું કે હું ત્યારે લગ્ન કરીશ જ્યારે મને યોગ્ય લાગશે, પરંતુ તેઓ માન્યા નહીં. ૨૦૦૪થી ૨૦૦૫ દરમ્યાન મારો પરિવાર ઇચ્છતો હતો કે હું મારી મમ્મીની બહેન એટલે કે મારી માસી સાથે લગ્ન કરું. હું આવું બિલકુલ નહોતો ઇચ્છતો. એ કારણસર મેં પરિવારના સભ્યોને એક પત્ર લખ્યો હતો જેમાં પરિવારના દરેક સભ્યનાં લગ્નજીવન વિશે વાત કરી હતી. મારી બહેન નિખતનાં ત્રણ વખત લગ્ન થયાં છે. આમિરનાં લગ્ન થયા પછી રીના સાથે છૂટાછેડા થયા. જ્યારે આમિર અને રીના પરણેલાં હતાં ત્યારે આમિરે બ્રિટિશ લેખિકા જેસિકા હાઇન્સ સાથે સંબંધ બાંધ્યો અને તેમનો એક અવૈદ્ય દીકરો જાન પણ છે. મારા પપ્પાએ બે વખત લગ્ન કર્યાં હતાં, મારા કઝિનનાં પણ બે વખત લગ્ન થયાં અને છૂટાછેડા થયા હતા. જ્યારે મારા પર લગ્ન માટે દબાણ કરવામાં આવતું હતું ત્યારે હું કહેતો હતો કે ‘તમે લોકો મને શું સલાહ આપી રહ્યા છો?’ પછી મેં ઘરથી દૂરી બનાવી અને તેમની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. પરિવારે કહ્યું કે હું પાગલ થઈ ગયો છું અને મેં તેમની વિરુદ્ધ ખોટી વાતો કરી છે. હા, પત્ર લખતી વખતે હું થોડો ગુસ્સામાં હતો અને શબ્દોમાં લાગણીઓ વધુ નીકળી, પરંતુ મારો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો.
જબરદસ્તીથી મેન્ટલ હૉસ્પિટલમાં
મારા પત્ર બાદ મને માનસિક રીતે અસ્થિર જાહેર કરીને એક મેન્ટલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં મને ઘણી દવા આપવામાં આવી હતી. આ બધું આમિર, મમ્મી, બહેન અને અન્ય કેટલાક પારિવારિક સભ્યોના ષડ્યંત્ર હેઠળ થયું.મને લાગે છે કે આમિરને મારાથી દૂર કરવા માટે બ્રેઇનવૉશ કરવામાં આવ્યું. મારી વાત સાંભળ્યા વિના મને માનસિક બીમાર ગણવામાં આવ્યો. મારી ઇચ્છા વિરુદ્ધ મને અનેક દવા આપવામાં આવી અને હૉસ્પિટલમાં જ રાખવામાં આવ્યો.જ્યારે પરિવાર મને માનસિક રીતે બીમાર સાબિત કરવા માગતો હતો ત્યારે નિખત અને સંતોષે એક એવા ડૉક્ટરની વ્યવસ્થા કરી હતી જે મારી સાથે ખરાબ વર્તન કરતો હતો અને મને કહેતો હતો કે હું તારી બધી હેકડી કાઢી નાખીશ.
પરિવાર સામે ફરિયાદો
મારી મમ્મી મારાં લગ્ન તેની બહેન સાથે કરાવવા માગતી હતી અને એ માટે તેણે આમિરનું બ્રેઇનવૉશ કર્યું હતું. મારી મમ્મી અને બહેને મળીને આમિરના કાન ભંભેર્યા હતા જેથી તે મારાથી દૂર થઈ જાય.
મારે ખોટા લોકો સાથે સંબંધ નથી રાખવા : ફૈઝલ
ફૈઝલે પોતાના પરિવાર સાથેના તમામ સંબંધ તોડવાની જાહેરાત કરી દીધી છે. તેણે જણાવ્યું હતું કે હું એક મહિનાની અંદર કાનૂની રીતે પરિવારથી અલગ થઈ જઈશ. ફૈઝલે ભવિષ્યના આયોજન વિશે કહ્યું હતું કે હું પરિવાર સામે કોઈ કેસ નથી કરવા માગતો અને તમારી પાસેથી મને એક રૂપિયો પણ નથી જોઈતો.
પ્રેસ-કૉન્ફરન્સ પછી એક ઇન્ટરવ્યુમાં ફૈઝલે જણાવ્યું હતું કે ‘હું આશા રાખું છું કે આ લોકો હવે મારો પીછો છોડશે. મેં કોર્ટકેસ પણ જીતી લીધો છે છતાં આ લોકો મારો પીછો છોડતા નથી. હવે તેઓ કહે છે કે સ્ટેટમેન્ટ ન આપું. જો કોઈ મને પૂછે તો હું એ જ સત્ય કહીશ. મેં હંમેશાં સંપૂર્ણ સત્ય અને પ્રામાણિકતાથી વાત કરી છે. હું હંમેશાં પુરાવા સાથે વાત કરું છું. જૂઠા લોકો સાથે હું કોઈ સંબંધ રાખતો નથી એથી મેં તેમને છોડી દીધા. કિરણ, રીના, ગૌરી, આયરા, જુનૈદ... આ લોકોએ પણ મારી સાથે ક્યારેય વાત કરવાની ઇચ્છા નથી દર્શાવી. આ મારી એકલાની લડાઈ હતી અને આગળ પણ એવી જ હશે.’
આમિર યાતના આપીને ભૂલી જ જાય છે : ફૈઝલ
જ્યારે ફૈઝલને પૂછવામાં આવ્યું કે શું તેં આમિર સાથે બેસીને આ બધી બાબતોની ચર્ચા કરીને સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો? એના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘આમિર પાસે સમય જ નથી. તેણે આટલું બધું ખોટું કર્યું અને યાતના આપીને તે ભૂલી પણ જાય છે.’
ફૈઝલે આમિરના તાજેતરના એક ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કર્યો જેમાં આમિરે કહ્યું હતું કે તે ફૈઝલ માટે બધું સારું ઇચ્છે છે. એ સંદર્ભે ફૈઝલે કહ્યું હતું, ‘આમિર, સારું છે કે મારું ભવિષ્ય તારા હાથમાં નથી. તારાં લગ્ન, ગર્લફ્રેન્ડ્સ, પૈસા, બધું તને મુબારક. મને તારી પાસેથી કાંઈ નથી જોઈતું. બસ, મને મારી રીતે જીવન જીવવા દે અને તું તારી રીતે જીવન જીવ.’
કોણ છે જેસિકા હાઇન્સ?
જેસિકા હાઇન્સ એક બ્રિટિશ પત્રકાર અને લેખિકા છે જે તેના પુસ્તક ‘લુકિંગ ફૉર ધ બિગ બી ઃ બૉલીવુડ, બચ્ચન ઍન્ડ મી’ માટે જાણીતી છે. તે ૧૯૯૦ના દાયકાના અંતમાં અને ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ભારતીય સિનેમા અને સંસ્કૃતિ વિશે લખવા માટે જાણીતી છે. જેસિકા ૧૯૯૮માં અમિતાભ બચ્ચનની બાયોગ્રાફી પર કામ કરવા ભારત આવી હતી અને એ દરમ્યાન તેની મુલાકાત ‘ગુલામ’ (૧૯૯૮)ના શૂટિંગ દરમ્યાન આમિર ખાન સાથે થઈ હતી.
૨૦૦૫માં એક જાણીતા મૅગેઝિને દાવો કર્યો હતો કે આમિર ખાન અને જેસિકા હાઇન્સ લિવ-ઇન રિલેશનશિપમાં હતાં અને જેસિકાએ આમિરના બાળકને જન્મ આપ્યો હતો જેનું નામ જાન છે. આ બાળકનો જન્મ લગ્ન વગર થયો હતો, કારણ કે આમિર એ સમયે રીના દત્તા સાથે પરણેલો હતો. રિપોર્ટ પ્રમાણે જ્યારે જેસિકાને તેની ગર્ભાવસ્થા વિશે ખબર પડી ત્યારે આમિરે બાળકની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો અને ગર્ભપાતની સલાહ આપી હતી. જોકે જેસિકાએ બાળકને જન્મ આપવાનું અને એકલીએ જ તેનો ઉછેર કરવાનું નક્કી કર્યું હતું. ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં તેણે દીકરાને જન્મ આપ્યો જેનું નામ જાન રાખ્યું હતું. ૨૦૦૭માં જેસિકાએ લંડનના ઉદ્યોગપતિ વિલિયમ ટેલબૉટ સાથે લગ્ન કર્યાં હતાં અને તેઓ બન્ને દીકરાનો ઉછેર કરી રહ્યાં છે.
આમિરના પરિવાર સાથેના સંબંધો નિષ્ફળ : ફૈઝલ
ફૈઝલ ખાને ઇન્ટરવ્યુ દરમ્યાન વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘આમિર એક સારો ઍક્ટર અને નિર્માતા છે, દરેક રીતે સફળ છે. જોકે જ્યારે તેના અંગત જીવનની વાત આવે છે ત્યારે આમિર રિયલ લાઇફ પિતા કે ભાઈની ભૂમિકા નિભાવવામાં ૧૦૦ ટકા સફળ રહ્યો નથી. તેના સંબંધો તેની પત્ની અને બાળકો સાથે પણ સારા નથી રહ્યા. તેનો પરિવાર પણ દેખાડા અને જુઠ્ઠાણાં પર ટકેલો છે. આમિરનું અંગત જીવન લગભગ ઝીરો છે. હું હંમેશાં સંબંધોને સાચવવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ આમિરની આસપાસના લોકો સતત તેના કાન ભંભેરતા રહે છે અને આમિર તેમની વાત માની લે છે, જ્યારે હું એવું નથી કરતો.’

