વિડિયો વાઇરલ થતાં જ નેટિઝન્સે સરકારી બાબુશાહીની માનસિકતા પર ફિટકાર વરસાવ્યો હતો
વૃદ્ધની પીઠ પર બેસીને નાળું પાર કરતા સરકારી અધિકારીનો વિડિયો કૅમેરામાં કેદ થઈ ગયો હતો
હિપોપૉટેમસની સ્કિન ધરાવતા સરકારી બાબુઓની રોફ છાંટવાની આદત અને અસંવેદનશીલતાનો એક અત્યંત શરમજનક કિસ્સો મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાંથી બહાર આવ્યો છે. અહીં એક પટવારીસાહેબ ખેતરમાં જ પાણીથી ભરાયેલા નાળાને પાર કરવા માટે ૬૫ વર્ષના એક વયસ્ક વૃદ્ધની પીઠ પર સવાર થઈ ગયા હતા.
આ ઘટનાનો આશરે ૪૫ સેકન્ડનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતાં આ શરમજનક હરકત કરનાર પટવારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ સીધી જિલ્લાના માતા ગ્રામપંચાયત વિસ્તારમાં નીલેશ નામદેવ નામનો પટવારી જંગલી પ્રાણીઓ દ્વારા થયેલા નુકસાનનો સર્વે કરવા માટે ગામમાં ગયો હતો. લાલવા કેવટ નામના ૬૫ વર્ષના વૃદ્ધના મકાન અને ખેતરનું નિરીક્ષણ કરવા પહોંચેલા પટવારીસાહેબને રસ્તામાં પાણી ભરાયેલું નાળું પાર કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ. પોતાનાં બૂટ-ચંપલ કે કપડાં બગડે નહીં એ માટે પટવારીએ પોતે પાણીમાં ઊતરવાને બદલે વૃદ્ધની પીઠ પર બેસીને આખું નાળું પાર કર્યું.
વૃદ્ધની પીઠ પર બેસીને નાળું પાર કરતા સરકારી અધિકારીનો વિડિયો કૅમેરામાં કેદ થઈ ગયો હતો. વિડિયો વાઇરલ થતાં જ નેટિઝન્સે સરકારી બાબુશાહીની માનસિકતા પર ફિટકાર વરસાવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સીધી જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો અને પટવારી નીલેશ નામદેવને સસ્પેન્ડ કરી દેવાયો છે.
