વિદિશાના એક ગામમાં નવમા ધોરણના વિદ્યાર્થીઓ દરરોજ ચેકડૅમના થાંભલાઓ પર કૂદકા મારીને જીવના જોખમે સ્કૂલ પહોંચે છે. વીડિયો વાઇરલ થતાં સમસ્યા સામે આવી છે.
સ્કૂલમાં જવા બાળકોએ સુપરમૅન જેવા કૂદકા મારીને નદીના થાંભલા પરથી થવું પડે છે પસાર
મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના એક ગામમાં બાળકોએ રોજ જીવના જોખમે શિક્ષણ મેળવવા મજબૂર બનવું પડ્યું છે. ગામમાં માત્ર આઠમા ધોરણ સુધીની જ સ્કૂલ હોવાથી આગળ ભણવા માટે બાળકોએ બેતવા નદી પર બનેલા ચેકડૅમના સિમેન્ટના થાંભલાઓ પર કૂદકા મારીને નદી પાર કરવી પડે છે. સોશ્યલ મીડિયા પર બાળકોના આ જોખમી કૂદકા દર્શાવતો વિડિયો વાઇરલ થતાં આ ચિંતાજનક સમસ્યા સામે આવી છે.
રોડના રસ્તે સ્કૂલ જવું હોય તો આશરે ૧૩ કિલોમીટર જેટલું લાંબું અંતર કાપવું પડે છે, જ્યારે આ ચેકડૅમ પરથી નદી પાર કરવાથી આ અંતર ઘટીને માત્ર ૧.૫ કિલોમીટર થઈ જાય છે. આ જ કારણોસર નવમા ધોરણમાં ભણતી પાંચ વિદ્યાર્થિનીઓ સહિત કુલ ૯ બાળકો દરરોજ ત્રણથી ૪ ફુટ દૂર આવેલા થાંભલાઓ પર કૂદીને સ્કૂલમાં પહોંચે છે. ચોમાસા દરમ્યાન થાંભલાઓ લપસણા થવાથી અને નદીમાં પાણીનું વહેણ વધવાથી અકસ્માતનો ભારે ડર રહે છે.
રોજના આ લાંબા ચક્કર અને જોખમી રસ્તાને કારણે ઘણી વાર બાળકો સ્કૂલમાં જઈ શકતાં નથી. ગયા વર્ષે ઓછી હાઇટ હોવાને કારણે એક વિદ્યાર્થિની થાંભલા કૂદી ન શકી અને સ્કૂલમાં ન જઈ શકવાને કારણે નાપાસ પણ થઈ ગઈ. વાલીઓનું કહેવું છે કે ખેતીકામને લીધે તેઓ રોજ બાળકોને મૂકવા જઈ શકતા નથી. શિક્ષણ-અધિકારીએ સ્થળ પર જઈને કલેક્ટરને જાણ કરી છે, પરંતુ યોગ્ય પુલ ક્યારે બનશે એનો જવાબ હજી સુધી તંત્ર પાસે નથી.
