મહારાષ્ટ્રના FDA કમિશનર તુકારામ મુંઢેએ કોલેજના દિવસોનો મજેદાર કિસ્સો સંભળાવ્યો, જેમાં તેમના મિત્ર પંકજ માધુરી દીક્ષિતનાં લગ્નના સમાચાર સાંભળીને રડી પડ્યા હતા.
માધુરી દીક્ષિત
મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે આજકાલ ચર્ચામાં છવાયેલા છે. આએદિન રેસ્ટોરાંઓ અને હોટેલોમાં છાપામારીના સમાચારો છપાય છે. જોકે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે તેમના કૉલેજના દિવસોનો એક મજેદાર કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે પંકજ નામના દોસ્તની વાત કરી હતી. હાલમાં પંકજ કસ્ટમ્સમાં સિનિયર અધિકારી છે. તુકારામ મુંઢેએ કહ્યું હતું કે ‘મારો દોસ્ત એક વાર ખૂબ ગંભીર થઈને મારી પાસે આવ્યો. મને લાગ્યું કે તેની સાથે કંઈક ગંભીર વાત થઈ ગઈ છે. પણ પછીથી ખબર પડી હતી કે તેનું દિલ તૂટ્યું હતું અને એનું કારણ હતું બૉલીવુડ સ્ટાર માધુરી દીક્ષિતનાં લગ્ન થઈ ગયાં હતાં.’
૮ ઑગસ્ટે પુણેના બાલગંધર્વ રંગમંદિરમાં થયેલા ‘અનસ્ટૉપેબલ તુકારામ’ નામના ઓપન ઇન્ટવ્યુમાં તેમણે આ કિસ્સો સંભળાવ્યો હતો. આ કિસ્સાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. વિડિયોમાં તુકારામ કહે છે, ‘૧૯૯૮-૯૯ના સમયે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષા માટે હું અને મારો ફ્રેન્ડ પંકજ મોડી રાત સુધી ભણતા હતા. તે મારાથી એક-બે કલાક પછી સૂતો. અમે સામાન્ય રીતે અમારા રૂમ અને લાઇબ્રેરી વચ્ચે આવેલા કૉરિડોરમાં બેસીને વાંચતા. એક સવારે મારો દોસ્ત પાછળથી મારી પાસે આવ્યો અને ગરદન પર વળગીને રડવા લાગ્યો. તેને રડતો જોઈને હું ચોંકી ગયો. મેં તેને ખૂબ પૂછ્યું પણ તે રોતો રહ્યો. મને ખબર નથી કે તેનાં આસું સાચા હતા કે નહીં પણ તે રડવાનો અવાજ કાઢી રહ્યો હતો. બહુ પૂછ્યા પછી તેણે મને સામું પૂછ્યું કે શું મેં છાપું વાચ્યું છે? તેણે છાપું બતાવીને મને કહ્યું અરે માધુરી કી શાદી હો ગઈ. મેં પૂછ્યું કે તો એમાં શું થયું? ત્યારે તેણે સ્પષ્ટતા કરી કે અરે માધુરી દીક્ષિત...’
એ સાંભળીને પ્રેક્ષકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
