નાશિકના વનપત ગામમાં બેલ પૌલા તહેવાર દરમિયાન શિવાજીના બળદે ભૂલથી ૪.૭૧ લાખ રૂપિયાનો સોનાનો હાર ગળી લીધો. એક્સ-રેમાં હાર પેટમાં હોવાનું જણાયું અને ૧૦ દિવસ બાદ સર્જરી કરીને હાર બહાર કાઢવામાં આવ્યો.
નાશિક બળદ સોનાનો હાર ગળી ગયો
નાશિક જિલ્લાના વનપત ગામમાં શિવાજી નામના એક ખેડૂતના બળદને બેલ પૌલા તહેવારમાં મળેલો પ્રસાદ ભારે પડી ગયો. આ તહેવારમાં બળદની પૂજા કરીને એને પૂરણપોળી અને વ્યંજનો ખવડાવવામાં આવે છે. જોકે આ પૂજા દરમ્યાન પરિવારનો સોનાનો હાર ખોવાઈ ગયો હતો. શરૂઆતમાં ખેડૂત પરિવારને ખબર નહોતી કે સોનાનો હાર બળદના પેટમાં પહોંચી ગયો છે, પરંતુ જ્યારે બધે જ શોધ કર્યા પછી પણ હાર ન મળ્યો ત્યારે શંકા ગઈ કે કદાચ ઉત્સવના માહોલમાં પ્રસાદમાં હાર પડી ગયો હશે તો? ખેડૂતે નજીકના પશુચિકિત્સાલયમાં જઈને બળદનો એક્સ-રે કરાવ્યો તો ખબર પડી કે ખરેખર હાર બળદના પેટમાં જ છે. આ હારની કિંમત લગભગ ૪.૭૧ લાખ રૂપિયા હતી. બળદના પેટમાંથી કુદરતી રીતે હાર કાઢવો સંભવ ન લાગતાં ડૉક્ટરોએ છેક ૧૦ દિવસની રાહ જોઈને બળદની સર્જરી કરી હતી. સર્જરી પછી બળદની હાલત સ્થિર હોવાથી ખેડૂતના પરિવારને રાહત થઈ હતી.
