તેમના હાથ પર બનેલું ટૅટૂ જોઈને તેમનો ઓડિયા પરિવાર હિમાચલ પ્રદેશ દોડી આવ્યો હતો
પ્રમિલાબહેનને વિડિયોમાં જોઈને તેમના ટૅટૂ પરથી પરિવારજનોએ ઓળખી લીધાં હતાં
ઓડિશામાં લગભગ ૩૫ વર્ષ પહેલાં પરિવારથી વિખૂટાં પડી ગયેલાં પ્રમિલાબહેન ૭૦ વર્ષની વયે હિમાચલ પ્રદેશના એક વૃદ્ધાશ્રમમાં જીવન ગાળી રહ્યાં હતાં. તેમના હાથ પર બનેલું ટૅટૂ જોઈને તેમનો ઓડિયા પરિવાર હિમાચલ પ્રદેશ દોડી આવ્યો હતો. આ સંસ્થામાં તેમનું નામ રામકલી મલિક તરીકે નોંધાયેલું હતું કેમ કે મહિલા પોતે પણ પોતાનું નામ ભૂલી ચૂક્યાં હતાં. પ્રમિલાબહેનને ઓડિશાના કટક અને આસપાસનાં ગામોનાં નામ ત્રુટક-ત્રુટક યાદ હતાં. હાથ પર બનેલા ટૅટૂ પરથી પણ તેઓ ઓડિશાનાં હોય એવું લાગતું હતું. ૨૦૧૧થી ૨૦૧૮ની સાલ સુધી તેઓ શિમલાના એક માનસિક રોગીઓના આશ્રમમાં રહ્યા. એ પછી તેમને નારી નિકેતન અને પછી ત્યાંથી વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યાં હતાં. પ્રમિલાબહેનના કેટલાક વિડિયો ઇન્ડિયા કૅર્સ નામની સંસ્થાના ઇન્સ્ટાગ્રામ થકી ઓડિશામાં પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસે એ વિડિયો ગામડાંઓમાં ફેલાવીને તેમના પરિવારની શોધ કરી હતી. પ્રમિલાબહેનને વિડિયોમાં જોઈને તેમના ટૅટૂ પરથી પરિવારજનોએ ઓળખી લીધાં હતાં.
