ઓડિશામાં ધોરણ ૧થી ૮ના પાઠ્યપુસ્તકોમાં ૧૭૪૧ ભૂલો સામે આવી છે. પુસ્તકો છાપવામાં ₹૧૭૫ કરોડનો ખર્ચ થયો હતો. સૌથી વધુ ૨૯૪ ભૂલો ધોરણ ૮ની સાયન્સની બુકમાં હતી. સરકારે અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે.
ઓડિશા શિક્ષણ વિભાગ
ઓડિશામાં પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીની ટેક્સ્ટબુક્સમાં ૧૭૪૧ ભૂલો જોવા મળી છે. આ બુક્સ છાપવા માટે ૧૭૫ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ઓડિશાના સ્કૂલ અને માસ એજ્યુકેશન મિનિસ્ટર નિત્યાનંદ ગોન્ડે જ આ વાતની કબૂલાત કરી હતી. આ ભૂલોમાંથી ૧૦૭૫ ભૂલો વ્યાકરણ, ટાઇપિંગ અને સ્પેલિંગની હતી. પાંચ હકીકતદોષ અને પાંચ કૉન્સેપ્ચ્યુઅલ ભૂલો હતી. આઠમા ધોરણની સાયન્સની બુકમાં સૌથી વધુ ૨૯૪ ભૂલો નોંધાઈ હતી. સાતમા ધોરણની ઉર્દૂ ભાષાની ટેક્સ્ટબુકમાં ૧૨૧ ભૂલો અને આઠમાના સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં ૧૧૪ ભૂલો હતી. ઓડિશા સરકારનું કહેવું છે કે આ ભૂલોને સુધારવા માટે ૬૬૧ સૂચનો મળ્યાં હતાં અને કોઈ ભૂલ વિનાની એડિશન પ્રિન્ટ કરીને ફરી વહેંચવામાં આવી છે. આ પહેલાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધિકારીએ ૧૬૭૮ ભૂલો થઈ હોવાનો દાવો કર્યો હતો. હવે સરકારે ડિરેક્ટર અને તેમના ત્રણ અસિસ્ટન્ટને સસ્પેન્ડ કરી દીધા છે. અન્ય ૬ અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
