લીઝ પર લીધેલી ખાણમાંથી આ વખતે મળ્યો ૧૧.૧૯ કૅરૅટનો હીરો, સરકારી હરાજીમાં અંદાજે ૩૦ લાખ રૂપિયા મળવાની આશા: ૨૦૨૪માં ૯૩ લાખ રૂપિયાનો હીરો મળ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના હીરાથી સમૃદ્ધ એવા પન્ના જિલ્લામાં એક આદિવાસી પરિવારના બે ભાઈઓનું નસીબ બે વર્ષમાં બીજી વખત ચમક્યું છે. રાકેશ અને રાજુ નામના આ બે ભાઈઓને સોમવારે હીરાની એક ખાણમાંથી ૧૧.૧૯ કૅરૅટનો ચળકતો હીરો મળ્યો છે. સરકારી હરાજી બાદ આ અનકટ (કાચા) હીરાની કિંમત અંદાજે ૩૦ લાખ રૂપિયા ઊપજવાની આશા સેવાઈ રહી છે. આ બન્ને ભાઈઓને પોતાની લીઝ પર રાખેલી ખાણમાંથી જ ૨૦૨૪માં પણ ૧૯.૨૨ કૅરૅટનો એક મોટો હીરો મળ્યો હતો, જેની સરકારી હરાજી થતાં તેઓ અંદાજે ૯૩ લાખ રૂપિયા મેળવીને માલામાલ થયા હતા.
રાકેશે ચાલુ વર્ષે ૨૭ એપ્રિલે પન્ના ડાયમંડ ઑફિસમાંથી આ ખાણ લીઝ પર લીધી હતી. તે પોતાના મોટા ભાઈ રાજુ, બનેવી રતન અને જમીનના માલિક સાથે મળીને છેલ્લા બે મહિનાથી આ ખાણમાં ખોદકામ કરી રહ્યો હતો, જે દરમિયાન તેમને આ સફળતા મળી છે. નિયમ મુજબ આ હીરાને પન્ના ડાયમંડ ઑફિસમાં જમા કરાવી દેવામાં આવ્યો છે, જ્યાં નિષ્ણાતો દ્વારા તેની તપાસ કરીને સ્વીકાર કરવામાં આવ્યો છે. આગામી સરકારી હરાજીમાં આ હીરાને વેચાણ માટે મૂકવામાં આવશે.
ADVERTISEMENT
પન્ના દેશનો એકમાત્ર એવો સક્રિય હીરા ઉત્પાદક પ્રદેશ છે જ્યાં સામાન્ય નાગરિકો પણ હીરા શોધવા માટે સરકારી લીઝ મેળવી શકે છે.
