તેનાં બાવડાં હૉલીવુડ-સ્ટાર અને બૉડી-બિલ્ડર આર્નોલ્ડ શ્વાર્ઝનેગર કરતાં પણ મોટાં છે
જૅકી કૉર્ન
નેધરલૅન્ડ્સમાં રહેતી જૅકી કૉર્ન નામની યુવતીને લોકો શી-હલ્ક કહે છે, કેમ કે તેનાં બાવડાં હૉલીવુડ-સ્ટાર અને બૉડી-બિલ્ડર આર્નોલ્ડ શ્વાર્ઝનેગર કરતાં પણ મોટાં છે. પુરુષોના બાયસેપ્સ મોટા હોય તો એ બહુ વખણાય છે, પણ નેધરલૅન્ડ્સની આ મહિલાનાં બાવડાં જોઈને પુરુષો પણ દંગ થઈ જાય છે. જૅકી જિમમાં ખૂબ પસીનો વહાવે છે. બાવડાં અને બૉડી બનાવવા માટે જે ખાવું-પીવું જોઈએ એ માટે તે મહિને ૪૫,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરે છે. જૅકી રોજ બેથી ત્રણ કલાક સખત ટ્રેઇનિંગ કરે છે અને તેનું લક્ષ્ય છે હજી વધુ બાવડાં બિલ્ડ કરવાં. અત્યારે જ તેનાં બાવડાં પચીસ ઇંચનાં થઈ ચૂક્યાં છે. થોડા સમય પહેલાં તેણે કર્વી ગર્લ મસલ્સ નામના સોશ્યલ મીડિયા પર બાવડાંની તસવીર પોસ્ટ કરી હતી જે જબરી વાઇરલ થઈ હતી. એ પછી તો તેને અનેક ઑફર મળવા લાગી છે. રેસલિંગ શોમાં ભાગ લેવાનો પ્રસ્તાવ પણ તેને મળી ચૂક્યો છે. જૅકીના ટ્રેઇનર આમેરનું કહેવું છે કે જૅકી નેધરલૅન્ડ્સની સૌથી મોટાં બાવડાં ધરાવતી મહિલા છે એ તો નક્કી જ છે, પણ કદાચ દુનિયામાં પણ તેના જેવી બીજી મહિલા જડવી મુશ્કેલ છે.

