બે પત્ની નથી એનો પુરાવો આપવો પડશે
પ્રતીકાત્મક તસવીર
પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે મંગળવારે એક એવા વકીલને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો જેણે હરિયાણા સુપિરિયર જુડિશ્યલ સર્વિસમાં ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજના પદ માટે અરજી કરતી વખતે ભૂલથી જાહેર કર્યું હતું કે તેને એક કરતાં વધુ પત્નીઓ છે. સીધી ભરતી દ્વારા પચીસ જગ્યાઓ ભરવા માટે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે એક કરતાં વધુ જીવનસાથી ધરાવતો ઉમેદવાર આ પદ માટે લાયક નથી. અરજીમાં આ અંગે એક કૉલમ હતી અને ઉમેદવારે ‘હા’ અથવા ‘ના’ જાહેર કરવાની જરૂર હતી. અરજદાર ઍડ્વોકેટ પ્રદીપ કુમારે અરજી-ફૉર્મ ભરતી વખતે ભૂલથી ઉપરોક્ત કૉલમમાં ‘હા’ લખ્યું હતું. તેની ઉમેદવારી નામંજૂર કરવામાં આવતાં તેણે કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે ‘તમે પોતે જ કહો છો કે તમારી બે પત્ની છે. તેઓ કેવી રીતે જાણે છે કે તમારી એક પત્ની છે કે બે પત્ની છે કે ત્રણ પત્ની? એ તમારે જાહેર કરવાનું છે. જો તમે એને ખોટી રીતે જાહેર કરો છો તો તમારી ઉમેદવારી રદ કરવામાં તેમનો શું વાંક છે? એક વાર ઉમેદવાર ખોટો દાવો કરી દે તો તેણે સાબિત કરવું પડશે. તમારે પુરાવા આપવા પડશે કે તમારી પાસે બે પત્ની નથી.’

