તેમનો આ શિરસ્તો છેલ્લાં ૧૪ વર્ષથી ચાલી રહ્યો છે. સખારામનું કહેવું છે કે આ કઠિન યાત્રા માટે ભલે મારું શરીર વૃદ્ધ હોય, પણ બાબા રામદેવ પીરની શક્તિ મને ચાલતી રાખે છે.
૭૫ વર્ષના સખારામ નામના દાદા
રાજસ્થાનના બાડમેર જિલ્લાના અસાડા ગામના ૭૫ વર્ષના સખારામ નામના દાદા બાબા રામદેવજી પીર પ્રત્યે અનોખી શ્રદ્ધા ધરાવે છે. તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી પોતાના ગામથી રામદેવરામાં આવેલી રામદેવ પીરની સમાધિનાં દર્શન કરવા જાય છે અને દર વખતે કપરી યાત્રાનો માર્ગ પસંદ કરીને આસ્થા અને ભક્તિની મિસાલ રજૂ કરે છે. અસાડા ગામથી રામદેવરાનું અંતર છે પૂરા ૨૧૩ કિલોમીટર. આ વખતે સખારામ ભાંખોડિયાં ચાલીને આ યાત્રા કરી રહ્યા છે એટલું જ નહીં, તેમણે ચાલવાની સાથે-સાથે તેમની ત્રિપગી સાઇકલની અંદર રામદેવ પીરની મૂર્તિની સજાવટ કરી છે. આ સાઇકલની પાછળ તેમણે રસ્સી બાંધીને એને પોતાના ગળામાં બાંધી લીધી છે. તેઓ થોડુંક ભાંખોડિયાં ચાલીને આગળ જાય છે અને પછી ટ્રાઇસિકલને ઠેલે છે. તેમની ઉંમર અને ભાંખોડિયાં ચાલીને સાઇકલને ઠેલવાનો શ્રમ જોતાં તેઓ રોજની માત્ર ત્રણથી સાડાત્રણ કિલોમીટર જ યાત્રા કરી શકે છે. વર્ષમાં લગભગ બે મહિના લગાતાર તેઓ ભાંખોડિયાં યાત્રા કરે છે. તડકો હોય કે વરસાદ, તેમની યાત્રા અટકતી નથી. ધગધગતા રોડથી બચવા માટે તેઓ ઘૂંટણ અને હાથ પર કપડાનાં ચંપલ જેવું પહેરી લે છે. તેમનો આ શિરસ્તો છેલ્લાં ૧૪ વર્ષથી ચાલી રહ્યો છે. સખારામનું કહેવું છે કે આ કઠિન યાત્રા માટે ભલે મારું શરીર વૃદ્ધ હોય, પણ બાબા રામદેવ પીરની શક્તિ મને ચાલતી રાખે છે.

