મધ્ય પ્રદેશના બાલાઘાટ પાસે ખડસૌલી ગામમાં એક અત્યંત રૅર ઘટના ઘટી. સચિન નાગપુરે નામના પચીસ વર્ષના યુવકને અત્યંત ઝેરીલો સાપ કરડ્યો હતો. જોકે એ પછી સચિન સ્વસ્થ હતો, પણ સાપ તડપીને મરી ગયો હતો.
સચિન નાગપુરે
મધ્ય પ્રદેશના બાલાઘાટ પાસે ખડસૌલી ગામમાં એક અત્યંત રૅર ઘટના ઘટી. સચિન નાગપુરે નામના પચીસ વર્ષના યુવકને અત્યંત ઝેરીલો સાપ કરડ્યો હતો. જોકે એ પછી સચિન સ્વસ્થ હતો, પણ સાપ તડપીને મરી ગયો હતો. આ કોઈ મનઘડંત વાત નથી. હકીકતમાં આવું થયું હતું. સચિન ખેતરમાં હતો ત્યારે અચાનક ચાલતાં-ચાલતાં તેનો પગ એક અત્યંત ઝેરી સાપ પર પડી ગયો. અચાનક હુમલાથી સાપે ઝપટ મારીને તેને પગે ડંખ દઈ દીધો. જોકે થોડી જ મિનિટોમાં સાપ બેચેન અને તડપતી અવસ્થામાં ઊછળવા લાગ્યો અને પાંચથી ૬ મિનિટમાં તો એ મરી ગયો. સ્થાનિક લોકો આ સાપને ડોંગરબેલિયા તરીકે ઓળખે છે જે સામાન્ય કરતાં વધુ ઝેરી હોય છે.
આ ઘટના વિશે સચિનનું કહેવું છે કે તેના લોહીમાં ઝેર છે. તે છેલ્લાં આઠ વર્ષથી લીમડો, કરંજી, જાંબુ, પિસુંડી જેવાં ઔષધીય વૃક્ષોની ડાળીઓથી દાંત સાફ કરે છે અને એનાથી તેના લોહીમાં ધીમે-ધીમે થોડુંક ઝેર જાય છે. શરીરમાં ઑલરેડી ઝેર હોવાથી સાપનું મોત થઈ ગયું હોવાનો દાવો સચિને કર્યો હતો. જોકે વનવિભાગના અધિકારીએ આ ઘટનાને રૅરેસ્ટ ઑફ રૅર ગણાવી છે. તેમણે શક્યતા જતાવી હતી કે જ્યારે સાપ અચાનક જ કરડવા માટે થઈને પાછળ વળ્યો ત્યારે એ જોશને કારણે એની ઝેરની થેલી ફાટી ગઈ હોઈ શકે છે. ડંખ વાટે સચિનના શરીરમાં જે ઝેર છોડવાનું હતું એ જ ઝેર એના શરીરમાં પ્રસરી ગયું હોય એવું બની શકે છે.

