અનુરાધા નકલી લગ્ન કરવા માટે નવું નામ, નવું શહેર અને નવી ઓળખ પસંદ કરતી હતી. લગ્ન પછી તે પતિના ઘરેથી રોકડ અને ઘરેણાં લૂંટીને ભાગી જતી હતી.
ભોપાલમાં ૨૩ વર્ષની અનુરાધા પાસવાન નામની એક એવી મહિલાની ધરપકડ કરવામાં આવી
ભોપાલમાં ૨૩ વર્ષની અનુરાધા પાસવાન નામની એક એવી મહિલાની ધરપકડ કરવામાં આવી છે જેણે ૭ મહિનામાં વિવિધ રાજ્યોમાં ૨૫ પુરુષો સાથે લગ્ન કર્યાં હતાં અને લગ્નના અઠવાડિયામાં તેના પતિના ઘરમાંથી ચોરી કરીને રફુચક્કર થઈ જતી હતી. રાજસ્થાનમાં અનુરાધા સામે ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને એજન્ટો અને નકલી લગ્નો કરાવી આપવા સંબંધિત એક સુવ્યવસ્થિત નેટવર્કનો ખુલાસો થયો હતો.
૨૫ નિર્દોષ વરરાજા સાથે છેતરપિંડી કરવાના આરોપસર રાજસ્થાન પોલીસે ભોપાલમાં ‘લુટેરી દુલ્હન’ અનુરાધા પાસવાનની ધરપકડ કરી હતી. અનુરાધા નકલી લગ્ન કરવા માટે નવું નામ, નવું શહેર અને નવી ઓળખ પસંદ કરતી હતી. લગ્ન પછી તે પતિના ઘરેથી રોકડ અને ઘરેણાં લૂંટીને ભાગી જતી હતી.
ADVERTISEMENT
સવાઈ માધોપુરમાં પોલીસે તેને રંગેહાથ પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. એક કૉન્સ્ટેબલને નકલી વરરાજા બનાવવામાં આવ્યો હતો. તે વરરાજાનો વેશ ધારણ કરીને એજન્ટ પાસે ગયો હતો. એજન્ટે અનુરાધાનો ફોટો બતાવ્યો હતો. આ પછી પોલીસ એજન્ટનો પીછો કરતી વખતે મહિલા સુધી પણ પહોંચી ગઈ હતી. મહિલાની ભોપાલમાં ધરપકડ કરવામાં આવી હતી.
અનુરાધા પાસવાન સંપૂર્ણ આયોજન સાથે પુરુષોને પોતાનો શિકાર બનાવતી હતી. તે પોતાને ગરીબ ગણાવતી હતી અને ભાવિ પતિ સાથે મંદિરમાં લગ્ન કરવાની શરત મૂકતી હતી. શરૂઆતમાં અનુરાધા તેનાં સાસરિયાંના ઘરે ખૂબ જ પ્રેમથી રહેતી હતી. સાસરિયાંઓનો વિશ્વાસ જીતી લીધા પછી તે ખોરાકમાં નશીલા પદાર્થો ભેળવી દેતી હતી અને ઘરેણાં, રોકડ અને અન્ય કીમતી વસ્તુઓ લઈને ભાગી જતી હતી.

