પ્રેમી કે પ્રેમિકાને મળવા લોકોએ સરહદ પાર કરી દીધી હોય એવા ઘણા કિસ્સા સાંભળવા મળ્યા છે, પણ અહીં વાત છે એક વાઘની. મહારાષ્ટ્રનો એક વાઘ યોગ્ય વાઘણ શોધવા માટે ૩૦૦ કિલોમીટર દૂર છેક તેલંગણ પહોંચી ગયો હતો
અજબગજબ
મહારાષ્ટ્રનો એક વાઘ યોગ્ય વાઘણ શોધવા માટે ૩૦૦ કિલોમીટર દૂર છેક તેલંગણ પહોંચી ગયો
પ્રેમી કે પ્રેમિકાને મળવા લોકોએ સરહદ પાર કરી દીધી હોય એવા ઘણા કિસ્સા સાંભળવા મળ્યા છે, પણ અહીં વાત છે એક વાઘની. મહારાષ્ટ્રનો એક વાઘ યોગ્ય વાઘણ શોધવા માટે ૩૦૦ કિલોમીટર દૂર છેક તેલંગણ પહોંચી ગયો હતો. વન-અધિકારીઓ કહે છે કે શિયાળો એ સામાન્ય રીતે વાઘ માટે પ્રજનનકાળ ગણાતો હોય છે એટલે નર વાઘને પોતાના જ વિસ્તારમાં માદા વાઘ ન મળે તો એની શોધખોળ માટે લાંબી યાત્રા કરતા હોય છે. જ્યાં વાઘણ મળી જાય ત્યાં વાઘ પોતાનો પરિવાર બનાવતો હોય છે અને પછી એ વિસ્તાર પોતાનાં બચ્ચાંને સોંપીને બીજા વિસ્તારમાં જતો રહે છે. મહારાષ્ટ્રના નાંદેડમાં કિનવટના જંગલમાં રહેતો ૭ વર્ષનો વયસ્ક વાઘ જૉની મહિના પહેલાં વાઘણની શોધમાં નીકળી પડ્યો હતો અને એણે તેલંગણના આદિલાબાદ અને નિર્મલ જિલ્લા સુધી ૩૦૦ કિલોમીટરની યાત્રા કરી લીધી છે. જિલ્લા વન અધિકારી પ્રશાંત બી. પાટીલે કહ્યું કે મહારાષ્ટ્રમાં નર વાઘ દર શિયાળામાં સાથીને શોધવા માટે આદિલાબાદ જિલ્લાનાં જંગલોમાં આવે છે. વાઘણે ૧૦૦ કિલોમીટર દૂર છોડેલી ગંધ પારખવાની વાઘમાં કુદરતી શક્તિ હોય છે એટલે વાઘ એ ગંધ સૂંઘીને વાઘણની ભાળ મેળવી લે છે. જૉની અત્યાર સુધી આદિલાબાદ જિલ્લાના બોથ, નિર્મલ જિલ્લાના કુંતલા, મમદા અને પેમ્બી મંડળોનાં જંગલો સુધી ફરી આવ્યો છે. આ સફરમાં તેણે પાંચ બચ્ચાંનો શિકાર પણ કર્યો છે.