Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય ક્રિકેટના `અજેય` યોદ્ધા અજિંક્ય રહાણેની નિવૃત્તિ! તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

ભારતીય ક્રિકેટના `અજેય` યોદ્ધા અજિંક્ય રહાણેની નિવૃત્તિ! તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

Published : 30 July, 2026 12:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Ajinkya Rahane announces retirement: ભારતીય ક્રિકેટના સૌથી વિશ્વસનીય બેટ્સમેનોમાં ગણાતા અજિંક્ય રહાણેએ તમામ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી; વીડિયોમાં ક્રિકેટરે કહ્યું કે.. હંમેશા દેશ અને ટીમને પોતાનાથી ઉપર રાખ્યા છે

અજિંક્ય રહાણે (તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા)

અજિંક્ય રહાણે (તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા)


ભારતીય ક્રિકેટના સૌથી શાંત, ભરોસાપાત્ર અને લડાયક ખેલાડીઓમાં ગણાતા અજિંક્ય રહાણે (Ajinkya Rahane)એ ગુરુવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરેલા એક ભાવુક વીડિયોમાં રહાણેએ પોતાની બે દાયકા લાંબી સફરને યાદ કરતાં કહ્યું કે, તેમના માટે હંમેશા દેશ અને ટીમ પ્રથમ સ્થાને રહ્યા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy)માં ભારતને ઐતિહાસિક જીત અપાવનારા આ બેટ્સમેનની વિદાયથી કરોડો ક્રિકેટ ચાહકો ભાવુક થઈ ગયા છે.

દરેક શરૂઆતનો અંત હોય છે



નિવૃત્તિની જાહેરાત કરતા અજિંક્ય રહાણેએ (Ajinkya Rahane announces retirement) કહ્યું, ‘જીવનની સત્યતા એ જ છે કે દરેક વસ્તુની શરૂઆત થાય છે અને દરેક વસ્તુનો અંત પણ આવે છે. જ્યારે એ સમય આવે ત્યારે આપણે તેનું સન્માન કરીને આગળ વધી જવું જોઈએ. બેટિંગમાં મેં હંમેશા યોગ્ય ટાઈમિંગ પર વિશ્વાસ રાખ્યો છે અને તેનું મહત્વ સમજ્યું છે. આજે મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો આ જ યોગ્ય સમય છે.’


ડોમ્બિવલીથી ટીમ ઈન્ડિયા સુધીની સફર

પોતાના શરૂઆતના સંઘર્ષોને યાદ કરતા રહાણેએ કહ્યું કે ડોમ્બિવલીથી શરૂ થયેલી તેમની સફર માત્ર એક સપનું પૂરું કરવા માટે હતી. તેમણે ઉમેર્યું, ‘ડોમ્બિવલીના એક નાના છોકરા તરીકે માત્ર પ્રેક્ટિસ કરવા માટે મેં સફર શરૂ કરી હતી. મેં આ રમતને મારું બધું જ આપી દીધું. દરેક દિવસ, દરેક ઇનિંગ્સ અને બેટિંગની દરેક તક મારા માટે ભારતની કેપ પહેરવાના સપના સાથે જોડાયેલી હતી.’


દેશ અને ટીમ હંમેશાં પ્રથમ સ્થાને

ક્રિકેટ પ્રત્યેના પોતાના સમર્પણ વિશે વાત કરતા રહાણેએ કહ્યું, ‘મેં હંમેશા એક જ નિયમ પાળ્યો છે – મારા દેશ અને મારી ટીમને મારાથી ઉપર રાખ્યા છે. મેં સંપૂર્ણ ઈમાનદારી સાથે ક્રિકેટ રમ્યું અને હંમેશા એ જ માન્યું છે કે જો તમારી દાનત સાચી હોય તો રમત હંમેશા તમારો સાથ આપે છે.’

૨૦ વર્ષ સુધી ભારતીય ક્રિકેટનો હિસ્સો બનવા પર ગર્વ

રહાણેએ ભાવુક થઈને કહ્યું, ‘જ્યારથી મેં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું ત્યારથી લઈને આજ સુધી ભારતીય ક્રિકેટમાં જબરદસ્ત પ્રગતિ થઈ છે. છેલ્લા ૨૦ વર્ષો સુધી આ સફરનો હિસ્સો બનવું મારા માટે ગર્વની વાત છે. એક ભારતીય ક્રિકેટર તરીકે મારો અધ્યાય ભલે પૂરો થઈ રહ્યો હોય, પરંતુ ક્રિકેટ સાથે મારી સફર અહીં પૂરી નહીં થાય. હવે હું આગામી પેઢીને મદદ કરવા, આ રમતમાંથી મળેલા મૂલ્યોને શેર કરવા અને જે ક્રિકેટે મને બધું જ આપ્યું છે તેને કંઈક પરત આપવા માટે ઉત્સુક છું.’

જીત-હારથી પર રહી યાદો

પોતાની સફર અંગે રહાણેએ કહ્યું, ‘મુંબઈના એક યુવા ખેલાડી તરીકે શરૂઆત કરવાથી લઈને ભારત માટે રમવા સુધીની સફર મારા માટે ખૂબ જ મોટું સન્માન રહી છે. આ દરમિયાન જીત પણ મળી, હાર પણ મળી, પરંતુ ક્રિકેટ રમવાનો આનંદ, અલગ-અલગ ટીમોનો હિસ્સો બનવાનો અનુભવ અને આજીવન યાદ રહે તેવી યાદો જ મારા કરિયરની સૌથી મોટી ઉપલબ્ધિ અને સંતોષ છે.’

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajinkya Rahane (@ajinkyarahane)

શુભચિંતકોનો માન્યો આભાર

વિદાય વીડિયોમાં રહાણે પોતાના પરિવાર, મિત્રો અને ફેન્સનો આભાર માનતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું, ‘હું BCCI, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA), મારા તમામ સાથી ખેલાડીઓ, કોચ, IPLની દરેક ફ્રેન્ચાઈઝી, રાધિકા, મારા સમગ્ર પરિવાર, મિત્રો અને એ તમામ લોકોનો દિલથી આભાર માનું છું જેમણે દરેક પગલે મારો સાથ આપ્યો.’

હું તમારા દિલમાં ક્યારેય નથી હાર્યો

રહાણેએ અંતમાં પોતાના ફેન્સનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું, ‘ક્રિકેટના એ તમામ ચાહકોનો ખાસ આભાર, જેમણે મારા સારા અને ખરાબ સમયમાં મારો સાથ આપ્યો. `અજિંક્ય`નો અર્થ `અજેય` થાય છે, પરંતુ ક્રિકેટે મને ઘણી વાર હારનો સામનો કરતા શીખવ્યું. એક ક્રિકેટર તરીકે આપણે જેટલી વાર સફળ થઈએ છીએ, તેનાથી વધુ વાર નિષ્ફળ જઈએ છીએ. મારી ટીમ પણ મેચ હારી, મારાથી પણ ભૂલો થઈ, પરંતુ એક જગ્યાએ હું ક્યારેય નથી હાર્યો અને તે તમારા દિલ હતા. તમે હંમેશા મને પોતાનો માન્યો. તમારા પ્રેમ, વિશ્વાસ અને સપોર્ટ માટે દિલથી આભાર. કેપ નંબર ૨૭૮... બસ હવે અહીં સુધી જ.’

મેલબોર્નની ઇનિંગ્સ હંમેશાં યાદ રહેશે

અજિંક્ય રહાણેના કરિયરનો સૌથી સોનેરી અધ્યાય ૨૦૨૦-૨૧ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રહ્યો હતો. વિરાટ કોહલીની ગેરહાજરીમાં તેમણે ઈજાઓથી ઝઝૂમી રહેલી ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી અને મેલબોર્ન ટેસ્ટમાં સદી ફટકારીને ભારતની શાનદાર વાપસી કરાવી હતી. ત્યારબાદ ભારતે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ૨-૧થી હરાવીને ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર ટેસ્ટ સિરીઝમાંથી એક પોતાના નામે કરી હતી.

૩ વર્ષથી ટીમ બહાર હતા રહાણે

અજિંક્ય રહાણે લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યા હતા. તેમણે પોતાનો છેલ્લો આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ ૨૦૨૩માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટ રૂપે રમ્યો હતો. જ્યારે તેમણે છેલ્લી વન-ડે મેચ ૨૦૧૮માં અને છેલ્લી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ ૨૦૧૬માં રમી હતી.

૬ ટેસ્ટ મેચમાં કરી કેપ્ટનશીપ

રહાણેએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ૮૫ ટેસ્ટ, ૯૦ વન-ડે અને ૨૦ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટની ૧૪૪ ઇનિંગ્સમાં તેમણે ૩૮.૪૬ની એવરેજથી ૫,૦૭૭ રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેમણે ૨૬ અડધી સદી અને ૧૨ સદી ફટકારી છે, જેમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૧૮૮ રન રહ્યો છે. રહાણેએ ૬ ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું, જેમાંથી ભારતને ૪ મેચમાં જીત મળી હતી અને ૨ મેચ ડ્રો રહી હતી.

વન-ડે અને ટી૨૦માં રહાણેનું પ્રદર્શન

વન-ડેની ૮૭ ઇનિંગ્સમાં રહાણેએ ૩૫.૨૬ની એવરેજથી ૨,૯૬૨ રન બનાવ્યા છે, જેમાં ૨૪ અડધી સદી અને ૩ સદી સામેલ છે. જ્યારે ૨૦ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં તેમણે ૧૧૩.૨૯ના સ્ટ્રાઈક રેટથી ૩૭૫ રન બનાવ્યા છે.

નોંધનીય છે કે, રહાણેએ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કપ્તાની કરી છે. તેમણે ૩ વન-ડે મેચોમાં ભારતની કમાન સંભાળી હતી અને ત્રણેયમાં જીત અપાવી હતી. જ્યારે ૨ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં તેમની કપ્તાની હેઠળ ભારતે ૧ મેચમાં જીત મેળવી હતી અને ૧ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK