અંગ્રેજો સિરીઝ બચાવવા અને કાંગારૂઓ સિરીઝ જીતવા ઊતરશે, યજમાન ટીમ સિરીઝમાં ૨-૦થી આગળ છે
ફાઇલ તસવીર
પાંચ મૅચની ઍશિઝ ટેસ્ટ-સિરીઝની ત્રીજી મૅચ આજથી ઍડીલેડમાં શરૂ થશે. યજમાન ઑસ્ટ્રેલિયા આ સિરીઝમાં ૨-૦થી આગળ છે. રેગ્યુલર ટેસ્ટ કૅપ્ટન પૅટ કમિન્સની વાપસી સાથે કાંગારૂઓ સતત ત્રીજી જીત સાથે સિરીઝ પોતાને નામે કરવાનો ટાર્ગેટ રાખશે, જ્યારે સિરીઝ બચાવવા બેન સ્ટોક્સની ઇંગ્લૅન્ડ ટીમે જબરદસ્ત કમબૅક કરવું પડશે.
ઍડીલેડમાં ઑસ્ટ્રેલિયા ૮૩માંથી ૪૬ ટેસ્ટ-મૅચ જીત્યું છે, ૧૮ મૅચમાં હાર મળી છે અને ૧૯ મૅચ ડ્રૉ રહી હતી. કાંગારૂઓ અને અંગ્રેજ ટીમ વચ્ચે આ મેદાન પર ૩૩ ટેસ્ટ-મૅચ રમાઈ છે જેમાંથી ઇંગ્લૅન્ડ માત્ર ૯ મૅચ જીત્યું છે, યજમાન ટીમ ૧૯ ટેસ્ટ-મૅચ જીતી હતી અને પાંચ મૅચ ડ્રૉ રહી હતી.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડ અહીં છેલ્લે ડિસેમ્બર ૨૦૧૦માં ટેસ્ટ-મૅચ જીત્યું હતું. ત્યાર બાદ રમાયેલી ત્રણેય ટેસ્ટ-મૅચ ઑસ્ટ્રેલિયાએ જીતી છે. ૨૦૧૯થી ૨૦૨૪ દરમ્યાન યજમાન ટીમ અહીં સળંગ ૬ ટેસ્ટ-મૅચ જીતી છે. એને આ મેદાન પર છેલ્લી ટેસ્ટ-હાર ૨૦૧૮માં ભારતે આપી હતી.
ત્રીજી ટેસ્ટ-મૅચ માટે ઑસ્ટ્રેલિયન પ્લેઈંગ ઈલેવનમાં પૅટ કમિન્સ અને નૅથન લાયનની વાપસી
ગઈ કાલે ઑસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ-મૅચ માટે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી. કૅપ્ટન પૅટ કમિન્સ અને અનુભવી સ્પિનર નૅથન લાયનની વાપસી થઈ છે. તેમણે બીજી મૅચમાં રમનાર ફાસ્ટ બોલર્સ માઇકલ નેસર અને બ્રેન્ડન ડૉગેટનું સ્થાન લીધું છે. કરો યા મરો મૅચ માટે ઇંગ્લૅન્ડે માત્ર એક ફેરફાર તરીકે પ્લેઇંગ ઇલેવનમાં ગસ ઍટકિન્સનની જગ્યાએ જોશ ટંગનો સમાવેશ કર્યો છે.
ઑસ્ટ્રેલિયા : જેક વેધરલ્ડ, ટ્રૅવિસ હેડ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, કૅમરન ગ્રીન, ઍલેક્સ કેરી, જોશ ઇંગ્લિસ, પૅટ કમિન્સ (કૅપ્ટન), મિચલ સ્ટાર્ક, નૅથન લાયન, સ્કૉટ બોલૅન્ડ.
ઇંગ્લૅન્ડ : ઝૅક ક્રૉલી, બેન ડકેટ, ઑલી પોપ, જો રૂટ, હૅરી બ્રૂક, બેન સ્ટોક્સ (કૅપ્ટન), જેમી સ્મિથ, વિલ જૅક્સ, જોશ ટંગ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર.


