ભારતીય ટીમે હાથ ન મિલાવી ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કર્યો, નાક કપાતાં પાકિસ્તાને કૅપ્ટનને પ્રેઝન્ટેશન સેરેમનીમાં ન મોકલ્યો
ટૉસ સમયની ફાઇલ તસવીર
દુબઈમાં રવિવારે ભારત અને પાકિસ્તાનની T20 એશિયા કપ 2025 ગ્રુપ-સ્ટેજની મૅચમાં બન્ને ટીમ વચ્ચે રસાકસી જોવા મળી હતી. એકતા અને સ્પોર્ટ્સમૅન સ્પિરિટ માટે દરેક ક્રિકેટમૅચ બાદ ક્રિકેટર્સ એકબીજા સાથે હાથ મિલાવે છે, પણ કૅપ્ટન સૂર્યકુમાર યાદવની વિનિંગ-સિક્સર બાદ ભારતીય પ્લેયર્સ એકબીજાને હાથ મિલાવીને ડ્રેસિંગ રૂમમાં જતા રહ્યા અને સપોર્ટ સ્ટાફે દરવાજો બંધ કરી દીધો હતો.
પાકિસ્તાની પ્લેયર્સ અંદર-અંદર હાથ મિલાવ્યા બાદ ભારતનું આ કડક વર્તન જોઈને દંગ રહી ગયા હતા. હજારોની ભીડ વચ્ચે ઇન્ટરનૅશનલ ટીવી પર થયેલી આ બેઇજ્જતી બાદ પાકિસ્તાને પોતાના કૅપ્ટન સલમાન અલી આગાને મૅચ બાદની પ્રેઝન્ટેશન સેરેમનીમાં નિવેદન આપવા મોકલ્યો નહોતો. આ પ્રેઝન્ટેશન દરમ્યાન કૉમેન્ટેટર સંજય માંજરેકરે સ્ટેડિયમના દર્શકો સાથે સૂર્યકુમાર યાદવને વર્ષગાંઠની શુભેચ્છા પાઠવતું સૉન્ગ ગાયું હતું.
ADVERTISEMENT
ભારતના આ કડક વલણનો પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને ટીમના વર્તમાન હેડ કોચ માઇક હેસને પણ વિરોધ કર્યો. તેણે પાકિસ્તાન તરફથી પત્રકારોની પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે ‘અમે હાથ મિલાવવા માગતા હતા, પરંતુ અમે નિરાશ છીએ કે વિરોધી ટીમે એમ ન કર્યું. અમે જે રીતે રમ્યા એનાથી અમે નિરાશ છીએ, પરંતુ અમે હાથ મિલાવવા માગતા હતા. આ જ કારણે કૅપ્ટન સલમાન મૅચ પછીના પ્રેઝન્ટેશનમાં ન આવ્યો.’

