દાવો કરી રહ્યા છે કે રેફરી પાયક્રૉફ્ટે માફી માગી લીધી હોવાથી ટુર્નામેન્ટમાંથી હટી જવાનું માંડી વાળ્યું, UAE સામેની છેલ્લી લીગ મૅચ એકાદ કલાક મોડી શરૂ થઈ
ફરી એક જ રેફરી : ગઈ કાલે ટૉસ દરમ્યાન રેફરી પાયક્રૉફ્ટ સાથે ટીમ-લિસ્ટ આપ-લે કરી રહેલો પાકિસ્તાની કૅપ્ટન સલમાન અલી આગા.
એશિયા કપમાંથી ગઈ કાલે પાકિસ્તાન ટીમે આખો દિવસ ભારે નાટકવેડા કર્યા હતા અને અંતે UAE સામેની મૅચ એક કલાક મોડી શરૂ કરાવી હતી અને મેદાનમાં ઊતરવું પડ્યું હતું. મૅચ શરૂ થવાનો સમય થઈ ગયો હોવા છતાં પાકિસ્તાન ટીમ હોટેલમાં ભરાઈ રહી હતી અને એણે એશિયા કપમાંથી હટી જવાનો નિર્ણય લઈ લીધો હોવાની ચર્ચા થવા લાગી હતી. આખરે તેઓ હોટેલમાંથી બહાર નીકળી મેદાનમાં પહોંચ્યા હતા અને વૉર્મ-અપ વગર જ મૅચ રમતા મેદાનમાં ઊતર્યા હતા. રાત્રે ૮ વાગ્યાની મૅચ તેમની ડ્રામેબાજીને લીધે એક કલાક મોડી એટલે કે ૯ વાગ્યે શરૂ થઈ હતી.
મૅચ રેફરીએ ભારત સામેની મૅચના ટૉસ વખતે બન્ને કૅપ્ટનોને હાથ મેળવતાં રોકવા બદલ માફી માગી લીધી હોવાથી એશિયા કપમાં રમવાનું જાળવી રાખ્યું હોવાનો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે દાવો કર્યો હતો. ડ્રામેબાજ પાકિસ્તાને ગઈ કાલે પહેલાં રેફરી પાયક્રૉફ્ટને એશિયા કપમાંથી હટાવવા માટે ધમપછાડા કર્યા અને પછી થોડા નરમ પડી તેમની મૅચ પૂરતા પાયક્રૉફ્ટને બદલે ભૂતપૂર્વ વેસ્ટ ઇન્ડિયન ખેલાડી રિચી રિચર્ડસનને મૅચ રેફરીની જવાબદાર સોપવાની જીદે ચડ્યા હતા. જોકે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તેમની કોઈ જ માગણી માન્ય નહોતી રાખી. આથી નારાજ પાકિસ્તાને એશિયા કપમાંથી હટી જવાની ધમકી આપવા માડી હતી અને મંગળવારે ટીમ પ્રૅક્ટિસ માટે પણ મેદાનમાં નહોતી ઊતરી અને પ્રીમૅચ પ્રેસ-કૉન્ફરન્સ પણ રદ કરી નાખી હતી. અધિકારીઓએ શું પગલાં લેવાં જોઈએ એ માટે ભૂતપૂર્વ ક્રિકેટરો સાથે ચર્ચા પણ કરવા માંડી હતી. બહિષ્કાર કરવાથી કરોડો રૂપિયાનું નુકસાન થશે એ વિશે પણ ચર્ચાવિચારણા કરી હતી.
ADVERTISEMENT
પાકિસ્તાને આખરે સમાધાન માટે રેફરી પાયક્રૉફ્ટ માફી માગે લે તો તેઓ બહિષ્કાર કરવાનું માંડી વાળશે એવી માગણી કરી હોવાની ચર્ચા હતી. પાકિસ્તાને ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સામે પણ પગલાં લેવાની માગણી કરી હતી. પાકિસ્તાન બોર્ડે આખરે રેફરીએ માફી માગી હોવાનો દાવો કર્યો હતો.

