બીજી ઇનિંગ્સમાં ૮૬ રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ પણ આયરલૅન્ડે આપી ટક્કર, સિલહટમાં આયોજિત પહેલી ટેસ્ટ-મૅચ જીતીને બંગલાદેશે આયરલૅન્ડ સામેની બે મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી છે.
પ્રતીકાત્મક તસવીર
સિલહટમાં આયોજિત પહેલી ટેસ્ટ-મૅચ જીતીને બંગલાદેશે આયરલૅન્ડ સામેની બે મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી છે. ૨૮૬ રન કરનાર આયરલૅન્ડ સામે બંગલાદેશે ૮ વિકેટે ૫૮૭ રન કરીને પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ૩૦૧ રનથી પાછળ ચાલી રહેલી આયરલૅન્ડની ટીમ બીજી ઇનિંગ્સમાં ૭૦.૨ ઓવરની રમતમાં ૨૫૪ રન કરીને ઑલઆઉટ થઈ હતી એને કારણે બંગલાદેશને એક ઇનિંગ્સ અને ૪૭ રનથી શાનદાર જીત મળી હતી.
ચોથા દિવસની રમતમાં આયરલૅન્ડે પાંચ વિકેટે ૮૬ રનના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ચોથા દિવસના બીજા સેશન સુધી આયરલૅન્ડના લોઅર ઑર્ડરના બૅટર્સે ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમીને જોરદાર પડકાર આપ્યો હતો. બીજી ઇનિંગ્સમાં બંગલાદેશના સ્પિનર્સ હસન મુરાદને ચાર અને તેજુલ ઇસ્લામને ૩ વિકેટ મળી હતી. ૧૭૧ રનની શાનદાર ઇનિંગ્સ રમનાર ઓપનર મહમૂદ હસન જૉય પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો હતો.


