વેસ્ટ ઝોનનો કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ ૧૮ બૉલમાં પાંચ રન જ કરી શક્યો
નૉર્થ ઝોન માટે સ્પિનર આબિદ મુશ્તાકે પાંચ વિકેટ અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ત્રણ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.
બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સમાં રમાઈ રહેલી પહેલી દુલીપ ટ્રોફીની ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં નૉર્થ ઝોને વેસ્ટ ઝોન સામે શાનદાર વાપસી કરી હતી. બીજા દિવસની રમતમાં વેસ્ટ ઝોનને ૬૫.૪ ઓવરમાં ૧૮૭ રનના સ્કોરમાં ઑલઆઉટ કરીને નૉર્થ ઝોને ૨૧ ઓવરમાં ૧૦૭/૪નો સ્કોર કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૫૧ રન કર્યા હોવાથી નૉર્થ ઝોન પાસે હાલમાં ૧૭૧ રનની લીડ છે.
બીજા દિવસે વેસ્ટ ઝોને ૧૦ ઓવરમાં ૩૧-૨ના સ્કોરથી પહેલી ઇનિંગ્સને આગળ વધારી હતી. શમ્સ મુલાનીએ ૯૪ બૉલમાં બાવન રન અને મુશીર ખાને ૧૨૬ બૉલમાં ૩૧ રનનું યોગદાન આપ્યું હતું. સ્ટાર બૅટર પૃથ્વી શૉ ૨૧ બૉલમાં ૨૨ રન, કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ ૧૮ બૉલમાં પાંચ રન અને ઉર્વિલ પટેલ ઝીરો રનમાં આઉટ થઈ ગયા હતા.
નૉર્થ ઝોન માટે સ્પિનર આબિદ મુશ્તાકે ૨૫.૪ ઓવરમાં ૩૯ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર્સ અર્શદીપ સિંહે ૧૪ ઓવરમાં ૫૩ રન આપીને ત્રણ વિકેટ અને અંશુલ કમ્બોજે ૧૪ ઓવરમાં ૩૮ રન આપીને બે વિકેટ લીધી હતી.
બીજી ઇનિંગ્સમાં નૉર્થ ઝોને ૮.૫ ઓવરમાં ૪૧ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટાર બૅટર આયુષ બડોની ૪૯ ઓવરમાં પાંચ ફોરની મદદથી ૩૯ રન કરીને અણનમ રહ્યો હતો. નૉર્થ ઝોન આજે મોટો ટાર્ગેટ સેટ કરવાના ઉદ્દેશ્ય સાથે ત્રીજા દિવસની રમતમાં ઊતરશે.
