ફાસ્ટ બોલર હર્ષિત રાણાના મુદ્દે ક્રિસ શ્રીકાંત અને આર.અશ્વિન પર ગૌતમ ગંભીરનો પલટવાર...
હર્ષિત રાણા
ભારતીય મેન્સ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે યંગ ફાસ્ટ બોલર હર્ષિત રાણાના મુદ્દે ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાંત અને ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન પર પલટવાર કર્યો છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચૅનલ પર ઑસ્ટ્રેલિયા ટૂર માટે સિલેક્ટ થયા બાદ હર્ષિત રાણાને ગંભીરની હામાં હા મિલાવનાર ગણાવીને તેના સિલેક્શન પર સવાલ ઊભા કર્યા હતા. અશ્વિને પણ તેને ગેરલાયક ગણાવીને સિલેક્શન કમિટીની મીટિંગમાં બેસવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ અંગે ગંભીર કહ્યું હતું કે ‘એ એકદમ શરમજનક ઘટના છે. જો તમે ૨૩ વર્ષના ખેલાડીની પોતાની યુટ્યુબ ચૅનલ ચલાવવા બદલ ટીકા કરી રહ્યા છો તો એ અન્યાયી છે. હર્ષિત રાણાના પપ્પા ભૂતપૂર્વ સિલેક્ટર, ભૂતપૂર્વ ક્રિકેટર કે NRI નથી. તેણે પોતાની યોગ્યતા પર ક્રિકેટ રમી છે અને એમ કરવાનું ચાલુ રાખશે. કોઈ વ્યક્તિને નિશાન બનાવવી યોગ્ય નથી. જો તમે સોશ્યલ મીડિયા પર ૨૩ વર્ષના પ્લેયર વિશે ખરાબ વાતો કરો છો તો એ તેની માનસિકતાને કેવી રીતે અસર કરશે?’
ADVERTISEMENT
ગંભીર વધુમાં કહ્યું હતું કે ‘જો તમારું બાળક ક્રિકેટ રમે છે તો કલ્પના કરો કે તેમનો દુર્વ્યવહાર થઈ રહ્યો છે. તે ૩૩ વર્ષનો નથી, ૨૩ વર્ષનો છે. મારી ટીકા કરો, હું એ સહન કરી શકું છું; પરંતુ તે ૨૩ વર્ષનો છે તેથી એ સ્વીકાર્ય નથી. ભારતીય ક્રિકેટ પ્રત્યે નૈતિક જવાબદારી હોવી જોઈએ અને તમારે ફક્ત તમારી યુટયુબ ચૅનલ ચલાવવા માટે આ બધું ન કરવું જોઈએ. આ ફક્ત હર્ષિતનો કિસ્સો નથી. ભવિષ્યમાં બીજા લોકો સાથે પણ આવું જ થશે. ભારતીય ક્રિકેટ મારું કે ડ્રેસિંગરૂમમાંના તે છોકરાઓનું નથી. એ તમારું પણ છે. તેથી મને નિશાન બનાવો, પણ આ છોકરાઓને નહીં. લોકોને તેમના પ્રદર્શનના આધારે નિશાન બનાવવા જોઈએ અને સિલેક્ટર્સ એ જોવા માટે જ બેઠા છે.’
હર્ષિત રાણાના પર્ફોર્મન્સ પર એક નજર
દિલ્હીના હર્ષિત રાણાએ નવેમ્બર ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. તેણે બે ટેસ્ટ-મૅચમાં ચાર વિકેટ, પાંચ વન-ડેમાં ૧૦ વિકેટ અને ત્રણ T20 મૅચમાં પાંચ વિકેટ ઝડપી છે. તેની બોલિંગ ઇકૉનૉમી ટેસ્ટ-ફૉર્મેટમાં ૪.૫૧, વન-ડેમાં ૫.૬૯ અને T20માં ૧૦.૧૮ની રહી છે. તેણે IPLમાં ૯.૫૧ની ઇકૉનૉમીથી રન આપીને ૩૪ મૅચમાં ૪૦ વિકેટ ઝડપી છે.

