WPL 2026માંથી ઇન્જર્ડ યાસ્તિકા ભાટિયા આઉટ, ગુજરાત જાયન્ટ્સને રિપ્લેસમેન્ટ ખેલાડી નહીં મળે, યાસ્તિકા ભાટિયાના બહાર થવાના ઑફિશ્યલ સમાચાર આપીને ગુજરાતની ટીમના પ્લેયર્સ અને કોચિંગ સ્ટાફે વિડિયો શૅર કરીને તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ આપી હતી.
WPL 2026માંથી ઇન્જર્ડ યાસ્તિકા ભાટિયા આઉટ
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની શરૂઆતમાં જ ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો પડ્યો છે. યાસ્તિકા ભાટિયા ઘૂંટણની ઇન્જરીમાંથી ફિટ થઈ ન હોવાથી WPL 2026માંથી બહાર થઈ ગઈ છે. ૨૫ વર્ષની આ વિકેટકીપર-બૅટરને ૫૦ લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. ગુજરાત જાયન્ટ્સને તેના બદલે કોઈ રિપ્લેસમેન્ટ ખેલાડી નહીં મળે.
ઑક્શનમાં યાસ્તિકા ભાટિયાને ખરીદવામાં આવી એ પહેલાંથી જ તે ઇન્જર્ડ હતી. ક્રિકેટ બોર્ડના નિયમ અનુસાર ટીમોને ખરીદી સમયે ઉપલબ્ધ ન હોય એવા ખેલાડીઓને બદલવાની મંજૂરી નથી. ક્રિકેટ બોર્ડે WPL ઑક્શનમાં પહેલાં આ સ્પષ્ટ કર્યું હતું. યાસ્તિકા ભાટિયાના બહાર થવાના ઑફિશ્યલ સમાચાર આપીને ગુજરાતની ટીમના પ્લેયર્સ અને કોચિંગ સ્ટાફે વિડિયો શૅર કરીને તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ આપી હતી.
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને યુપી વૉરિયર્સ પણ આવી જ અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે. ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકર અને પ્રતીકા રાવલ તેમની ફિટનેસ સાબિત કરવા માટે સંઘર્ષ કરી રહી છે. જો તેઓ સંપૂર્ણ ફિટ થવામાં નિષ્ફળ થશે તો તેમની ટીમને પણ નુકસાન થશે.


