તિલક વર્મા ૬૯ સ્થાનની છલાંગ સાથે બૅટિંગ-રૅન્કિંગ્સમાં ત્રીજા સ્થાને પહોંચ્યો
હાર્દિક પંડ્યા
સાઉથ આફ્રિકા સામેની ચાર મૅચની T20 સિરીઝ ૩-૧થી જીત્યા બાદ ભારતીય ક્રિકેટર્સને ICC રૅન્કિંગમાં ખૂબ ફાયદો થયો છે. આ સિરીઝમાં ૫૯ રન ફટકારીને બે વિકેટ લેનાર હાર્દિક પંડ્યા બે સ્થાનના ફાયદા સાથે નંબર વન T20 ઑલરાઉન્ડર બન્યો છે. આ વર્ષે T20 વર્લ્ડ કપની ફાઇનલ બાદ તે પહેલી વાર નંબર વન T20 ઑલરાઉન્ડર બન્યો છે. ઇંગ્લૅન્ડના લિઆમ લિવિંગસ્ટનને બે સ્થાનનું નુકસાન થયું છે.
સતત બે સેન્ચુરી ફટકારીને ૨૮૦ રન સાથે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બનેલા તિલક વર્માએ ૬૯ સ્થાનની લાંબી છલાંગ લગાવીને બૅટિંગ-રૅન્કિંગમાં ટૉપ-ટેનમાં એન્ટ્રી મારી છે. ઑસ્ટ્રેલિયાના ટ્રૅવિસ હેડ અને ઇંગ્લૅન્ડના ફિલ સૉલ્ટ પછી તે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. એક વર્ષમાં ત્રણ સેન્ચુરી ફટકારનાર ઓપનિંગ બૅટર સંજુ સૅમસન ૧૭ સ્થાનના ફાયદા સાથે આ લિસ્ટમાં બાવીસમા ક્રમે પહોંચ્યો છે, જ્યારે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ૮ વિકેટ લઈ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ત્રણ સ્થાનના ફાયદા સાથે બોલર્સના લિસ્ટમાં કરીઅરના સર્વશ્રેષ્ઠ રૅન્કિંગ્સમાં નવમા ક્રમે પહોંચી ગયો છે.