શ્રીલંકાની ધરતી પર બંગલાદેશની ટીમ પહેલવહેલી સિરીઝ પણ જીતી
બંગલાદેશની ટીમ
શ્રીલંકા સામેની ૩ મૅચની T20 સિરીઝમાં બંગલાદેશની ટીમે જબરદસ્ત કમબૅક કરીને ઇતિહાસ રચ્યો હતો. પહેલી મૅચ ૭ વિકેટે હાર્યા બાદ બંગલાદેશે ૮૭ રન અને ૮ વિકેટે બૅક-ટુ-બૅક મૅચ જીતીને સિરીઝ ૨-૧થી પોતાના નામે કરી હતી. બંગલાદેશી ટીમે આ હરીફ ટીમ સામે પહેલી વાર T20 સિરીઝ જીતવાની સાથે શ્રીલંકાની ધરતી પર પહેલવહેલી વાર દ્વિપક્ષીય સિરીઝ પણ જીતી હતી. હમણાં સુધી બંગલાદેશ શ્રીલંકામાં ૭ ટેસ્ટ, ૭ વન-ડે અને ૩ T20 સિરીઝ રમ્યું છે.
T20 સિરીઝમાં બંગલાદેશનો કૅપ્ટન લિટન દાસ ૧૧૪ રન સાથે પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. તે વિદેશી ધરતી પર બંગલાદેશની ટીમને બે સિરીઝ જિતાડનાર પહેલો બંગલાદેશી કૅપ્ટન પણ બન્યો હતો. તેની કૅપ્ટન્સીમાં આ પહેલાં 2024માં વેસ્ટ ઇન્ડીઝમાં ૩-૦થી સિરીઝ બંગલાદેશે જીતી હતી. વર્તમાન ટૂર પર ટેસ્ટ અને વન-ડે સિરીઝમાં મહેમાન ટીમની હાર થઈ હતી. લિટન દાસના પ્રદર્શનને કારણે ટીમ એક ટ્રોફી લઈને સ્વદેશ પાછી ફરશે.
ADVERTISEMENT
ભજ્જીનો કયો રેકૉર્ડ તૂટ્યો?
બંગલાદેશનો ૩૦ વર્ષનો સ્પિનર મેહદી હસન ત્રીજી મૅચમાં ૪ ઓવરમાં ૧૧ રન આપી ૪ વિકેટ ઝડપીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. તેની T20 કરીઅરનું બેસ્ટ પ્રદર્શન કરીને તેણે ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહનો ૧૩ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. કોલંબોમાં ૨૦૧૨માં ભજ્જીએ ૪ ઓવરમાં ૧૨ રન આપી ૪ વિકેટ લઈને વિદેશી બોલર તરીકે બેસ્ટ બોલિંગ-પ્રદર્શનનો રેકૉર્ડ કર્યો હતો.

