અમદાવાદથી સુપર 8ના ભારતના મુકાબલા જોવાનું શરૂ કરીને ચેન્નઈ, કલકત્તા, મુંબઈ પણ ગયા અને ફાઇનલ માટે પાછા અમદાવાદ આવીને પૂરું કર્યું સર્કલ
ગઈ કાલે પ્રતીક પટેલ, દીપ પટેલ, હેતલ પટેલ અને હર્ષદ પટેલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર
T20 વર્લ્ડ કપમાં ભારતની સુપર 8ની તમામ મૅચ તેમ જ સેમી-ફાઇનલ અને ફાઇનલ મૅચ જોવા માટે અને ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે અમેરિકાથી ૪ પાટીદાર મિત્રો કપાત પગારે રજા લઈને ભારત આવ્યા છે. આ ક્રિકેટ-ક્રેઝી ફૅન્સે અમદાવાદથી સુપર 8ના ભારતના મુકાબલા જોવાનું શરૂ કરીને પાછા ફાઇનલ જોવા અમદાવાદ આવીને સર્કલ પૂરું કર્યું હતું.
અમેરિકાથી આવેલા દીપ પટેલે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું, પ્રતીક પટેલ, હેતલ પટેલ અને હર્ષદ પટેલ અમેરિકાના અલાબામા સ્ટેટના મોબીલમાં રહીએ છીએ અને ક્રિકેટના ક્રેઝી છીએ એટલે મૅચ જોવા માટે કપાત પગારે રજા લઈને ઇન્ડિયા આવ્યા છીએ. T20 વર્લ્ડ કપની ભારતની સુપર 8ની મૅચ જોવાનું પ્લાનિંગ પહેલાંથી કર્યું હતું અને અમને આશા હતી કે ભારત ફાઇનલમાં આવશે. અમે અમદાવાદ, ચેન્નઈ અને કલકત્તામાં ભારતના સુપર 8ના મુકાબલા જોયા હતા. એ પછી મુંબઈમાં સેમી-ફાઇનલ મૅચ જોવા ગયા હતા. હવે ફાઇનલમાં ભારત આવ્યું હોવાથી અમદાવાદ ફાઇનલ મૅચ જોવા આવ્યા. અમે અમદાવાદથી સુપર 8ના ભારતના મુકાબલા જોવાનું શરૂ કરીને પાછા ફાઇનલ જોવા અમદાવાદ આવીને સર્કલ પૂરું કર્યું.’
