ઑસ્ટ્રેલિયન અખબારોના અહેવાલ પ્રમાણે જો પરિસ્થિતિ ન સુધરી તો ૨૦૨૯માં ભારતમાં રમાનારી ચૅમ્પિયન્સ ટ્રોફી ઑસ્ટ્રેલિયામાં શિફ્ટ થઈ શકે, ૨૦૩૧નો વન-ડે વર્લ્ડ કપ પણ હાથમાંથી જઈ શકે
ICCના અધ્યક્ષ જય શાહ
ઑસ્ટ્રેલિયન અખબારોના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલ ચાલી રહેલા T20 વર્લ્ડ કપ દરમ્યાન થયેલા વિવાદને લીધે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ભારતને ફાળવેલી ભવિષ્યની ટુર્નામેન્ટ વિશે ફેરવિચાર કરી શકે છે. આગામી વર્ષોમાં એટલે કે ૨૦૨૯માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ત્યાર બાદ ૨૦૩૧માં વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે.
મુસ્તફિઝુર રહમાનને IPLમાંથી બહાર કરતાં બંગલાદેશે એના ખેલાડીઓ ભારતમાં રમવા માટે સુરક્ષિત નથી એમ કહીને તેમની મૅચો શ્રીલંકામાં શિફ્ટ કરવાની વિનંતી કરી હતી. ICCએ તેમની આ માગણીને માન્ય નહોતી રાખી અને બંગલાદેશને જ ટુર્નામેન્ટમાંથી બહાર કરીને સ્કૉટલૅન્ડનો સમાવેશ કર્યો હતો. આ બધું ભારતના ઇશારે થઈ રહ્યું હોવાના આરોપ કરીને પાકિસ્તાને ભારત સામેની મૅચનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. અનેક મંત્રણાઓ અને કડક કાર્યવાહીની ચેતવણી બાદ પાકિસ્તાન આખરે ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામે રમવા મેદાનમાં ઊતર્યું હતું. આ બધી ઘટનાઓને લીધે ક્રિકેટજગતમાં એક મહિના સુધી ગરમાટો રહ્યો હતો. જોકે હાલ તો પરિસ્થિતિ શાંત થઈ ગઈ છે પણ ભારત, પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચેના કથળેલા રાજકીય સબંધોને ધ્યાનમાં રાખતાં ભવિષ્યમાં આ મુદ્દો ફરી ઊઠી શકવાની શક્યતાને જોતાં ICC અત્યારથી સાવચેતીનાં પગલાં લેવા વિચારી રહી છે.
ADVERTISEMENT
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ICC આ ત્રણેય દેશો વચ્ચેના સબંધો વિશે બારીકાઈથી સમીક્ષા કરી રહી છે અને આગામી દિવસોમાં કોઈ સુધારો નહીં જણાય તો બૅકઅપ પ્લાન માટે તૈયારી શરૂ કરી દેશે. ૨૦૨૯માં ૮ દેશની ચૅમ્પિયન્સ ટ્રોફી સંપૂર્ણપણે ભારતમાં જ રમાવાની હોવાથી એને અન્ય દેશમાં શિફ્ટ થવાની ભારોભાર શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બૅકઅપ યજમાન માટે અત્યારે ઑસ્ટ્રેલિયાના ચાન્સ વધુ છે, જ્યારે ૨૦૩૧નો વન-ડે વર્લ્ડ કપ ભારત અને બંગલાદેશ દ્વારા સંયુક્ત રીતે યોજાવાનો હોવાથી એની સ્થિતિ થોડી જુદી હોઈ શકે છે.
