શિખર ધવનની ૪.૫ કરોડ રૂપિયાની કમર્શિયલ જમીન અને સુરેશ રૈનાનું ૬.૬૪ કરોડ રૂપિયાનું મ્યુચ્યુઅલ ફન્ડ જપ્ત કરવાનો કામચલાઉ આદેશ જાહેર કરવામાં આવ્યો છે
સુરેશ રૈના, શિખર ધવન
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ગઈ કાલે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન અને સુરેશ રૈના પર મોટી કાર્યવાહી કરી છે. ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદે સટ્ટાબાજી સાઇટ સાથે જોડાયેલી મની-લૉન્ડરિંગની તપાસના ભાગ રૂપે બન્ને ક્રિકેટર્સની ૧૧.૧૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
ઑનલાઇન સટ્ટાબાજી સાઇટ 1xBet સામેના કેસમાં પ્રિવેન્શન ઑફ મની-લોન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ શિખર ધવનની ૪.૫ કરોડ રૂપિયાની કમર્શિયલ જમીન અને સુરેશ રૈનાનું ૬.૬૪ કરોડ રૂપિયાનું મ્યુચ્યુઅલ ફન્ડ જપ્ત કરવાનો કામચલાઉ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ED આ બન્ને મિલકતોને ગેરકાયદે સટ્ટાબાજીમાંથી કરેલી ‘ગુનાની આવક’ માને છે. EDના આદેશ સામે કોર્ટમાં અપીલ કરી શકાશે. આ કેસમાં ભૂતપૂર્વ ક્રિકેટર્સ યુવરાજ સિંહ અને રૉબિન ઉથપ્પા પણ આ સાઇટની જાહેરાતમાં સામેલ હોવાથી તે બન્નેની પણ પૂછપરછ કરવામાં આવી હતી.


