ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર રેલવે-કર્મચારીઓએ કરેલા આંદોલનને કારણે જીવ ગયો માટુંગાની હેલી મોમાયાનો : પ્રવાસી સંઘો કહે છે કે આ ઘટના માટે જે કોઈ રિસ્પૉન્સિબલ હોય તેની સામે FIR નોંધાવો જોઈએ
હેલી મોમાયા
ગુરુવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર સાંજે અચાનક થયેલા આંદોલનને કારણે સેન્ટ્રલ રેલવેની ટ્રેન-સર્વિસ ઠપ થઈ ગઈ હતી. એના કારણે માટુંગાની નારાયણ શામજી વાડીના માલિક પૃથ્વીરાજ મોમાયાની ૧૯ વર્ષની પૌત્રી હેલી મોમાયા અને તેની ૪૫ વર્ષની ફઈબા ખુશ્બૂ મોમાયા લોકલ ટ્રેનમાં એક કલાક સુધી ફસાઈ ગયાં હતાં. આખરે કંટાળીને અન્ય મુસાફરોની સાથે બન્ને જણ ટ્રેનમાંથી નીચે ઊતરીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ ટ્રૅક પર ચાલીને જઈ રહ્યાં હતાં ત્યારે સૅન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન નજીક અંબરનાથ તરફ જઈ રહેલી ફાસ્ટ લોકલ ટ્રેનની ટક્કર વાગતાં હેલીને માથામાં જીવલેણ ઈજા થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેની ફઈબાને હાથમાં ફ્રૅક્ચર આવ્યું હતું.
કચ્છી દશા ઓસવાળ જૈન હેલીના પપ્પા પ્રિયેશ મોમાયા અને ખુશ્બૂ મોમાયા ફોર્ટમાં મોમાયા કન્સલ્ટન્સી ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ કંપની ચલાવે છે. આ માહિતી આપતાં તેમના એક રિલેટિવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મળેલી માહિતી પ્રમાણે અકસ્માત થયો ત્યારે સાંજે ખુશ્બૂ અને હેલી પ્રિયેશની ઑફિસે હેલીના કૉલેજના પ્રોજેક્ટના કામે જઈ રહ્યાં હતાં. અકસ્માત થતાં તરત જ ગંભીર ઈજા થઈ હોવા છતાં ખુશ્બૂએ પ્રિયેશને અને હેલીની મમ્મી શીતલ મોમાયાને ફોન પર હેલીના સમાચાર આપ્યા હતા. ખુશ્બૂ આ સમાચાર આપતાં-આપતાં જ પ્લૅટફૉર્મ પર બેહોશ થઈ ગઈ હતી. રેલવે પોલીસે તરત જ ખુશ્બૂને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડી હતી. ત્યાંથી તેને મુંબઈ સેન્ટ્રલની વૉક્હાર્ટ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હેલીના ગઈ કાલે સવારે દાદરના શિવાજી પાર્ક હિન્દુ સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’
ADVERTISEMENT
મોમાયા પરિવારના રિલેટિવે વધુમાં કહ્યું હતું કે ગુરુવારના બનાવથી આખો પરિવાર આઘાતમાં હોવાથી અન્ય માહિતી આપવી મુશ્કેલ છે.
પ્રવાસી સંઘોએ આ બાબતે જેકોઈ જવાબદાર હોય તેમની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને તેમને સજા કરવામાં આવે એવી માગણી કરી છે.
CSMT પર જે બન્યું એ વિશે દુ:ખ અને રોષ પ્રગટ કરતાં ફેડરેશન ઑૅફ સબર્બન પૅસેન્જર્સ અસોસિએશના પ્રેસિડન્ટ નંદકુમાર દેશમુખે કહ્યું હતું કે ‘જ્યારે પ્રવાસીઓ કોઈ વિરોધ-પ્રદર્શન કરવા માગતા હોય ત્યારે તેમને રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા નોટિસ ફટકારીને ડરાવવામાં આવતા હોય છે, પણ ગુરુવારે જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ બધા ક્યાં હતા? સાંજના પીક અવર્સ વખતે વિરોધ-પ્રદર્શન કરવાની પરવાનગી આપી કોણે? આ વિરોધ-પ્રદર્શનના ઑર્ગેનાઇઝર અને એ પરવાગની આપનાર બન્નેને સજા થવી જોઈએ. લોકોએ ભારે હાડમારી ભોગવવી પડી અને બે જણે જીવ ગુમાવવા પડ્યા. એ માટે કોઈકને તો જવાબદાર ઠેરવવા પડશે.’
કલ્યાણ કસારા રેલવે પૅસેન્જર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ જગદીશ ધનગરે કહ્યું હતું કે ‘રેલવેના કર્મચારીઓએ ગુરુવારે કરેલા વિરોધ-પ્રદર્શનનો કલ્યાણ કસારા રેલવે પૅસેન્જર્સ વેલ્ફેર અસોસિએશન તીવ્ર વિરોધ કરે છે. આ વિરોધ-પ્રદર્શન જાણીજોઈને પીક અવર્સમાં કરવામાં આવ્યું એને કારણે અનેક લોકોએ હાડમારી વેઠવી પડી. અસોસિએશન એની સામે કડક પગલાંની માગણી કરે છે.’
રેલવે-ઍક્ટિવિસ્ટ સમીર ઝવેરીએ કહ્યું કે ‘ઑથોરિટી પર દબાણ લાવવા એક કલાક સુધી CSMTથી ટ્રેનો રવાના નહોતી થવા દેવાઈ. રેલવે ઑથોરિટીએ આ અરાજકતા બદલ જેકોઈ જવાબદાર હોય તેમની સામે સખત ખાતાકીય પગલાં ભરવાં જોઈએ. એમાં પણ પબ્લિક સેફ્ટીને મુદ્દે તો તેમને નોકરી પરથી કાઢી મૂકવા જોઈએ. રેલવે પ્રોટેક્શન ફોર્સે ટ્રેનો અટકાવનાર રેલવેના કર્મચારીઓ સામે FIR નોંધી ક્રિમિનલ લૉ અને એસેન્શિયલ સર્વિસિસ મેઇન્ટેનન્સ ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરવો જોઈએ. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ એ પ્રોટેસ્ટમાં સામેલ થયેલા રેલવે-કર્મચારીઓને ઓળખી કાઢવામાં મદદરૂપ થઈ પડશે.’
અમે મોટરમેનને રોક્યા નહોતા
આ ઘટના બાબતે પોતાનો બચાવ કરતાં સેન્ટ્રલ રેલવે મઝદૂર સંઘના પ્રેસિડન્ટ પ્રવીણ બાજપાઈએ કહ્યું હતું કે ‘અમે મોટરમેનને ટ્રેન ચલાવતાં રોક્યા નહોતા. એન્જિનિયરો સામે કરાયેલા FIRની સામે થયેલું વિરોધ-પ્રદર્શનનું આંદોલન એ સ્વયંભૂ હતું અને એમાં અમારી કોઈ ભૂમિકા નહોતી. જૂનમાં મુંબ્રા ઍક્સિડન્ટની જે ટ્રૅજેડી થઈ હતી એ સંદર્ભે રેલવેના બે એન્જિનિયરો સામે જે FIR દાખલ કરવામાં આવ્યો એ અયોગ્ય હતો અને ખોટા રિપોર્ટના આધારે કરવામાં આવ્યો હતો. વીરમાતા જીજાબાઈ ટેક્નૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટની ટીમ એક મહિના પછી ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરી હતી એના આધારે તેમણે ડેટા તૈયાર કર્યો હતો.’
પરવાનગી ફક્ત ભેગા થઈને નિવેદન આપવા માટે અપાઈ હતી
આ વિરોધ-પ્રદર્શન માટે પરવાનગી કોણે આપી હતી એવો સવાલ જ્યારે કરવામાં આવ્યો ત્યારે સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે ‘પ્રોટેસ્ટની પરવાનગી ફક્ત ભેગા થઈને એ બાબતનું નિવેદન ડિવિઝનલ રેલવે મૅનેજરને આપવા માટે આપવામાં આવી હતી. એ વિરોધ-પ્રદર્શન પતી ગયા પછી આંદોલન શરૂ થયું હતું.’


