રિપોર્ટમાં કુદરતી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું
સ્કાયવૉક પર તપાસ કરવા પહોંચેલા પોલીસ-અધિકારીઓ
કલ્યાણ-વેસ્ટમાં સ્ટેશન નજીકના સ્કાયવૉક પર ગઈ કાલે સવારે એક યુવકની ડેડ-બૉડી લોહીલુહાણ હાલતમાં જોવા મળતાં ચકચાર મચી ગઈ હતી. મહાત્મા ફુલે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પ્રથમ દૃષ્ટિએ જોતાં હત્યા થઈ હોવાની શંકાના આધારે પોલીસ દોડતી થઈ હતી. જોકે ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલતાં પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે યુવકની હત્યા નહોતી થઈ. તેનું કુદરતી મૃત્યુ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. મરનાર યુવકને લોહીની ઊલટી થતાં તેનું મૃત્યુ થયું હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું હતું.
મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બલિરામ પરદેશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે સાડાઆઠ વાગ્યે કલ્યાણ-વેસ્ટમાં સ્ટેશન નજીકના સ્કાયવૉક પર લોહીલુહાણ હાલતમાં એક યુવાન પડ્યો હોવાની માહિતી મળતાં અમારી એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એ વખતે યુવકની આસપાસ લોહી પ્રસરેલું જોવા મળ્યું હતું. એ પછી તપાસ કરતાં યુવક મૃત્યુ પામ્યો હોવાનું જણાતાં ફૉરેન્સિક ટીમને ઘટનાની જાણ કરી હતી. દરમ્યાન થાણે પોલીસના તમામ સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે રેલવે-સ્ટેશન અને કલ્યાણ સ્ટેશન નજીકના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ તપાસ્યાં હતાં. એ સમયે અમને શંકા હતી કે યુવકની હત્યા થઈ હશે. એ પછી ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે યુવક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો હતો જેને કારણે તેને રાતે લોહીની ઊલટી થઈ હતી અને એ પછી તેનું મૃત્યુ થયું હતું.’


