નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ઇન્ડિયા A સામે અમેરિકાએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ પસંદ કરી હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
T20 વર્લ્ડ કપ 2026 માટે ગઈ કાલે ભારતમાં વૉર્મ-અપ મૅચની શરૂઆત થઈ હતી. નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ઇન્ડિયા A સામે અમેરિકાએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ પસંદ કરી હતી. ઇન્ડિયા A ટીમે નારાયણ જગદીસન અને કૅપ્ટન આયુષ બદોનીની શાનદાર ઇનિંગ્સની મદદથી ૨૩૮/૩નો સ્કોર કર્યો હતો. ૧૯.૪ ઓવરમાં અમેરિકાએ શાનદાર ટક્કર આપીને ૨૦૦/૧૦નો સ્કોર કર્યો હતો એના કારણે તેમને ૩૮ રને હારનો સામનો કરવો પડ્યો હતો.
અમેરિકાએ ભારતીય મૂળના ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકર સહિત નવ બોલર્સને બોલિંગ આપી હતી એમાંથી માત્ર ૩ બોલર ૧-૧ વિકેટ લઈ શક્યા હતા. ભારતીય ટીમના ઓપનર નારાયણ જગદીસને ૧૧ ફોર અને ૪ સિક્સની મદદથી ૫૫ બૉલમાં ૧૦૪ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. કૅપ્ટન આયુષ બદોનીએ ૨૩૦.૭૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૬ ફોર અને ૪ સિક્સની મદદથી ૨૬ બૉલમાં ૬૦ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
ADVERTISEMENT
અમેરિકા માટે ઍન્ડ્રીસ ગોસે ૪૪ રન અને સંજય કૃષ્ણમૂર્તિએ ૪૧ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. ભારતે પણ મૅચમાં ૯ પ્લેયર્સને બોલિંગની તક આપી હતી. સ્પિનર રવિ બિશ્નોઈએ ૩૭ રન આપીને અમેરિકાના કૅપ્ટન મોનાંક પટેલ (૧૦ રન) સહિત ૩ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર્સ ખલીલ અહમદને બે અને અશોક શર્માને ૧ વિકેટ મળી હતી. પાર્ટ ટાઇમ બોલર્સ તરીકે ૧-૧ ઓવર બોલિંગ પર હાથ અજમાવનાર આયુષ બદોનીને ૧ વિકેટ અને નમન ધીરને ૨ વિકેટ મળી હતી.
ઇન્જરી અને સર્જરી બાદ મેદાન પર વાપસી કરનાર તિલક વર્માએ બૅટ અને બૉલથી એકંદરે સારું પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રીજા ક્રમે બૅટિંગ કરીને ૨૪ બૉલમાં ૩ ફોર અને બે સિક્સ ફટકારીને ૩૮ રન કર્યા હતા. સ્પિનર બોલિંગ કરીને તેણે ૧ ઓવરમાં ૧૫ રન આપીને ૧ વિકેટ લીધી હતી.
અન્ય બે વૉર્મ-અપ મૅચમાં શું થયું?
બૅન્ગલોરમાં અફઘાનિસ્તાને સ્કૉટલૅન્ડ સામે ૬૧ રને જીત મેળવી. અફઘાની ટીમે ૬ વિકેટ ગુમાવી ૧૮૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં સ્કૉટલૅન્ડ ૧૯.૩ ઓવરમાં ૧૨૩ રને ઑલઆઉટ થયું હતું.
ચેન્નઈમાં ઇટલીએ કૅનેડા સામે ૧૦ રને જીત નોંધાવી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ઇટલીએ ૪ વિકેટે ૧૫૬ રન ફટકાર્યા હતા. જવાબમાં કૅનેડા ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૪૬ રન જ કરી શક્યું હતું.


