અહીં રમાયેલી ત્રણેય વન-ડેમાં કાંગારૂઓને મળી છે હાર
પર્થ સ્ટેડિયમમાં ગઈ કાલે ટીમ ઇન્ડિયાના વિરાટ કોહલી, કે. એલ. રાહુલ, કૅપ્ટન શુભમન ગિલ, યશસ્વી જાયસવાલ અને રોહિત શર્મા પ્રૅક્ટિસ કર્યા બાદ આરામ ફરમાવતા જોવા મળ્યા હતા.
આવતી કાલથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સિરીઝનો પ્રારંભ પર્થ સ્ટેડિયમમાં થશે. ૨૦૧૮થી ૨૦૨૪ વચ્ચે ઑસ્ટ્રેલિયા અહીં ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન સાથે ૫૦-૫૦ ઓવરની મૅચ રમ્યું છે અને ત્રણેયમાં એની હાર થઈ છે. નવા કૅપ્ટન સાથે ઊતરનાર ટીમ ઇન્ડિયા આ સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT
પર્થ સ્ટેડિયમમાં ભારત-ઑસ્ટ્રેલિયાના રાઇવલરી પોસ્ટર સાથે ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્ક, ટ્રૅવિસ હેડ અને ભારતના ધ્રુવ જુરેલ તથા નીતીશ કુમાર રેડ્ડીએ ફોટો પડાવ્યો હતો
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આ સ્ટેડિયમમાં આ ફૉર્મેટની પહેલી જ મૅચ છે. ભારત આ મેદાન પર ઑસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટ-મૅચ રમ્યું છે જેમાંથી એકમાં જીત અને અને એકમાં હાર મળી છે.
જોકે એમ છતાં ભારત આ સ્ટેડિયમમાં ટેસ્ટ-ફૉર્મેટની મૅચમાં કાંગારૂઓેને હરાવનાર એકમાત્ર ટીમ છે. ૨૦૨૨માં ભારત અહીં T20 ફૉર્મેટની એક મૅચ રમ્યું હતું જેમાં હારી ગયું હતું.
ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના ટ્રૅવિસ હેડ અને ભારતના ઑલરાઉન્ડર અક્ષર પટેલે પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકારોના સવાલના જવાબ આપ્યા હતા
બે વર્ષ બાદ બન્ને ટીમ વચ્ચે વન-ડે સિરીઝ
વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ બાદ બન્ને ટીમ વચ્ચે પહેલી વખત વન-ડે સિરીઝ રમાશે. વર્લ્ડ કપ પહેલાં સપ્ટેમ્બરમાં બન્ને ટીમ ત્રણ મૅચની વન-ડે સિરીઝ ભારતમાં રમી હતી જેમાં ભારતે ૨-૧થી જીત નોંધાવી હતી. એટલે કે બે વર્ષ બાદ બન્ને ટીમ વચ્ચે આ ફૉર્મેટની સિરીઝ રમાશે. ૧૯ ઑક્ટોબરે પર્થ, ૨૩ ઑક્ટોબરે ઍડીલેડ અને ૨૫ ઑક્ટોબરે સિડનીમાં આ વન-ડે સિરીઝ રમાશે.

