Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અંગ્રેજો પર ટીમ ઇન્ડિયાએ કર્યો ડબલ પ્રહાર

અંગ્રેજો પર ટીમ ઇન્ડિયાએ કર્યો ડબલ પ્રહાર

Published : 04 July, 2025 09:49 AM | Modified : 05 July, 2025 06:17 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતે પહેલી ઇનિંગ્સમાં ૫૮૭ રન ફટકાર્યા, બીજા દિવસે ઇંગ્લૅન્ડે ત્રણ વિકેટે ૭૭ રન કરતાં ૫૧૦ રન પાછળ : ઇંગ્લૅન્ડમાં ભારતે ૧૮ વર્ષ બાદ ૫૦૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી, ઇંગ્લૅન્ડે પચીસ રનની અંદર ત્રણ ટૉપ ઑર્ડર બૅટરની વિકેટ ગુમાવી

ડબલ સેન્ચુરી માર્યા બાદ કૅપ્ટન શુભમન ગિલનું અલગ-અલગ અદાઓમાં  સેલિબ્રેશન.

ડબલ સેન્ચુરી માર્યા બાદ કૅપ્ટન શુભમન ગિલનું અલગ-અલગ અદાઓમાં સેલિબ્રેશન.


બર્મિંગહૅમમાં બીજી ટેસ્ટ-મૅચનો બીજો દિવસ સંપૂર્ણ રીતે ભારતને નામે થયો હતો. કૅપ્ટન શુભમન ગિલની હાઇએસ્ટ ફર્સ્ટ-ક્લાસ ઇનિંગ્સના આધારે ભારત ૧૫૧ ઓવરમાં ૫૮૭ રન ફટકારીને ઑલઆઉટ થયું હતું. ભારતે ઇંગ્લૅન્ડમાં ૧૮ વર્ષ બાદ ૫૦૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી છે. છેલ્લે ભારતે ધ ઓવલમાં ૨૦૦૭માં ૬૬૪ રનની ઇનિંગ્સ રમી હતી. બીજા દિવસની રમતના અંતે ઇંગ્લૅન્ડે ૩ વિકેટ ગુમાવીને ૭૭ રનનો સ્કોર કર્યો હતો. ભારત પાસે હજી ૫૧૦ રનની વિશાળ લીડ બચી છે.


બીજા દિવસે ભારતીય ટીમે ૮૬મી ઓવરમાં ૩૧૦-૫ના સ્કોરથી રમતની શરૂઆત કરી હતી. કૅપ્ટન શુભમન ગિલે છઠ્ઠી વિકેટ માટે અનુભવી ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (૧૩૭ બૉલમાં ૮૯ રન) સાથે ૨૦૩ રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર ૪૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. ૧૦ ફોર અને એક સિક્સ ફટકારનાર જાડેજાએ પોતાની ઇનિંગ્સમાં જબરદસ્ત મનોરંજન આપ્યું હતું. યંગ ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરે (૧૦૩ બૉલમાં ૪૨ રન) સાતમી વિકેટ માટે ભારતીય કૅપ્ટન સાથે ૧૧૪ રનની પાર્ટનરશિપ કરીને સ્કોર ૫૦૦ રનને પાર કર્યો હતો.




અનુભવી ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ૧૩૭ બૉલમાં ટીમ માટે ઉપયોગી ૮૯ રન કરીને કૅપ્ટન શુભમન ગિલ સાથે છઠ્ઠી વિકેટ માટે ૨૦૩ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.

ભારતના છેલ્લા ત્રણ પૂંછડિયા બૅટર્સે માત્ર ૧૯ રનનું યોગદાન આપતાં સ્કોર ૧૫૧ ઓવરમાં ૫૮૭ રને અટક્યો હતો. ઇંગ્લૅન્ડ તરફથી યંગ સ્પિનર શોએબ બશીર (૧૬૭ રનમાં ૩ વિકેટ) સૌથી વધુ સફળ રહ્યો હતો. ફાસ્ટ બૉલર્સ ક્રિસ વૉક્સ (૮૧ રનમાં બે વિકેટ) અને જૉશ ટૉન્ગ (૧૧૯ રનમાં બે વિકેટ)ને બે-બે સફળતા મળી હતી.


જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ઇંગ્લૅન્ડના પહેલા ત્રણ ટૉપ ઑર્ડર બૅટર્સને પચીસ રનના સ્કોર પર પૅવિલિયન મોકલી દીધા હતા. બેન ડકેટ અને ઑલી પોપ ઝીરો રને કૅચઆઉટ થયા બાદ ઓપનર ઝૅક ક્રૉલી (૩૦ બૉલમાં ૧૯ રન)એ પણ વિકેટ ગુમાવી હતી.

ત્રીજી ઓવરમાં આકાશ દીપે (૩૬ રનમાં બે વિકેટ) બૅક-ટુ-બૅક કૅચઆઉટ કરાવ્યા હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે (૨૧ બૉલમાં એક વિકેટ) પણ યજમાન ટીમ પર પ્રેશર વધારવામાં કોઈ કસર છોડી નહોતી. આજે ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડના સ્ટાર બૅટર્સ જો રૂટ (૩૭ બૉલમાં ૧૮ રન) અને હૅરી બ્રુક (૫૩ બૉલમાં ૩૦ રન) ટીમની ઇનિંગ્સને આગળ વધારશે.

શુભમન ગિલનું પ્રદર્શન

રન

૨૬૯

બૉલ

૩૮૭

ફોર

૩૦

સિક્સ

સ્ટ્રાઇક-રેટ

૬૯.૫૧

પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ૩૭૬ રન ઉમેર્યા ટીમ ઇન્ડિયાએ

ભારતીય ટીમે ૨૧૧ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ૩૭૬ રન ઉમેરીને પહેલી ઇનિંગ્સનો સ્કોર ૫૮૭ રન સુધી પહોંચાડ્યો હતો. પહેલી પાંચ વિકેટ બાદ સૌથી વધુ રન ફટકારવાનો આ ભારતનો હાઇએસ્ટનો રેકૉર્ડ હતો. આ પહેલાં ભારતે ૨૦૧૩માં કલકત્તામાં વેસ્ટ ઇન્ડીઝ સામે ૮૩ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ૩૭૦ રન ઉમેરીને ૪૫૩ રનનો સ્કોર કર્યો હતો.

ભારતનો શુભમન ગિલ SENA દેશોમાં ડબલ સેન્ચુરી ફટકારનાર પહેલો એશિયન કૅપ્ટન બન્યો

શુભમન ગિલનો ૨૬૯ રનનો સ્કોર ભારતીય કૅપ્ટનનો હાઇએસ્ટ ટેસ્ટ-સ્કોર બન્યો છે. તેણે વિરાટ કોહલીનો (૨૫૪ રન) સાઉથ આફ્રિકા સામેનો ૨૦૧૯નો રેકૉર્ડ તોડ્યો.

ટેસ્ટ-ક્રિકેટમાં ભારત માટે નંબર-ફોરની પોઝિશન પર હાઇએસ્ટ રનની ઇનિંગ્સ રમવાનો કોહલીનો ૨૦૧૯ની એ જ ઇનિંગ્સનો રેકૉર્ડ પણ તોડ્યો.

ઇંગ્લૅન્ડની ધરતી પર ભારતીય પ્લેયર તરીકે હાઇએસ્ટ સ્કોર કરવાના સુનીલ ગાવસકરના ૧૯૭૯ના ૨૨૧ રનના રેકૉર્ડને પણ પાછળ છોડ્યો.

SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા) દેશોમાં ટેસ્ટમાં ડબલ સેન્ચુરી કરનાર તે પહેલો એશિયન કૅપ્ટન બન્યો.

એશિયાની બહાર હાઇએસ્ટ ટેસ્ટ-ઇનિંગ્સ રમવાનો ભારતીય પ્લેયર તરીકેનો સચિન તેન્ડુકર (૨૦૨૪)નો ૨૪૧ રનનો સિડની ટેસ્ટનો રેકૉર્ડ તોડ્યો.

૨૫૦ પ્લસ રનની ટેસ્ટ-ઇનિંગ્સ રમનાર યંગેસ્ટ ભારતીય કૅપ્ટન બન્યો પચીસ વર્ષનો શુભમન.

શુભમન ગિલની રણનીતિ અને બૉડી-લૅન્ગ્વેજમાં વિશ્વ કક્ષાના પ્લેયરના તમામ ગુણો છે : જોનથન ટ્રૉટ

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટ્સમૅન અને અફઘાનિસ્તાનની મેન્સ ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ જોનથન ટ્રૉટે ભારતના નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલની પ્રશંસા કરી છે. ઇંગ્લૅન્ડ સામેની તેની રમત જોઈને તે કહે છે, ‘શુભમન ગિલની બૉડી-લૅન્ગ્વેજ અને તેણે જે રીતે રન બનાવ્યા એ નોંધપાત્ર છે. ઇંગ્લૅન્ડના બોલરો સામે તેના નિયંત્રણથી ડ્રેસિંગ રૂમમાં સંદેશ ગયો કે તે જવાબદારી લઈ રહ્યો છે અને આગળથી નેતૃત્વ કરી રહ્યો છે.’

૪૪ વર્ષનો જોનથન ટ્રૉટ આગળ કહે છે, ‘તેની રણનીતિ સ્પષ્ટ હતી કે હું ક્રીઝ પર રહીશ અને કાલે ફરી રમીશ. હું ખાતરી કરીશ કે ટીમ વિજેતા સ્થાને પહોંચે. તે એક વિશ્વ કક્ષાનો પ્લેયર છે જેનું ભવિષ્ય ઉજ્જ્વળ છે. તેણે સારી રીતે વિચારેલી રણનીતિ સાથે બૅટિંગ કરી જેમાં તેનો આત્મવિશ્વાસ સ્પષ્ટપણે દેખાતો હતો. એક કૅપ્ટન તરીકે આવા પ્રદર્શનની ટીમના અન્ય પ્લેયર્સ પર પણ સકારાત્મક અસર પડે છે.’

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2025 06:17 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK