ભારતનો રેકૉર્ડ અહીં ફિફ્ટી-ફિફ્ટી, યજમાન ઇંગ્લૅન્ડ અહીં પાંચમાંથી ત્રણ મૅચ હાર્યું છે, મૅચનો સમય: રાતે ૧૦ વાગ્યાથી, ભારત સહિત વેસ્ટ ઇન્ડીઝને અહીં હરાવવામાં ઇંગ્લૅન્ડને સફળતા મળી છે.
ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂક અને ભારતીય કૅપ્ટન શ્રેયસ ઐયરનો ફાઇલ ફોટો
ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચેની પાંચ T20 મૅચની સિરીઝમાં આજે ત્રીજી મૅચ નૉટિંગહૅમના ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં રમાશે. પહેલી મૅચ વરસાદને કારણે રદ્દ થઈ હોવાથી બીજી T20 મૅચ જીતનાર યજમાન ઇંગ્લૅન્ડ આ સિરીઝમાં ૧-૦થી આગળ છે. ભારતીય સમય અનુસાર આજે રાતે ૧૦ વાગ્યે શરૂ થનારી આ મૅચમાં શ્રેયસ ઐયર ઍન્ડ કંપની શાનદાર કમબૅકની આશા રાખશે.
ભારત ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં ૨૦૨૨ સુધી ૪ T20 મૅચ રમ્યું છે અને બે જીત સાથે બે હારનો સામનો કર્યો છે. વર્લ્ડ કપ દરમ્યાન જૂન ૨૦૦૯માં ભારતે બંગલાદેશને પચીસ રને અને આયરલૅન્ડને ૮ વિકેટે હરાવ્યું હતું. એ જ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી મૅચમાં ભારતને ૧૨ રને હાર મળી હતી. જુલાઈ ૨૦૨૨માં ભારત અહીં યજમાન ઇંગ્લૅન્ડ સામે પહેલી વખત રમીને ૧૭ રને હાર્યુ હતું. એટલે કે ભારત અહીં ૧૭ વર્ષથી T20 મૅચ જીત્યું નથી.
ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ પાંચમાંથી બે મૅચ જીત્યું છે અને ત્રણ મૅચમાં હાર મળી છે. યજમાન ટીમને અહીં સાઉથ આફ્રિકા, પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ સામે ૧-૧ હાર મળી છે. ભારત સહિત વેસ્ટ ઇન્ડીઝને અહીં હરાવવામાં ઇંગ્લૅન્ડને સફળતા મળી છે.
