રિષભ પંત ઑગસ્ટ ૨૦૨૪ બાદ વન-ડે ઇન્ટરનૅશનલ મૅચમાં રમ્યો નથી : ઈશાન કિશન છેલ્લે ઑક્ટોબર ૨૦૨૩માં વન-ડે ફૉર્મેટ રમ્યો હતો
પ્લેઇંગ ઇલેવનમાં કોને મળશે એન્ટ્રી? રિષભ પંત કે પછી ઈશાન કિશન!
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ હવે ૧૧થી ૧૮ જાન્યુઆરી દરમ્યાન ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડ સામે વન-ડે સિરીઝ રમશે. આ સિરીઝ માટેની ટીમ જાન્યુઆરીના શરૂઆતના દિવસોમાં જાહેર થાય એવા અહેવાલો મળ્યા છે. વન-ડે કૅપ્ટન શુભમન ગિલ મોહાલીમાં ફૉર્મમાં પાછા ફરવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે, જ્યારે ઇન્જર્ડ વન-ડે વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર BCCI સેન્ટર ઑફ એક્સલન્સમાં ફિટનેસ-મૂલ્યાંકનોમાંથી પસાર થઈ રહ્યો છે.
અહેવાલ અનુસાર ભારતીય વિકેટકીપર-બૅટર ઈશાન કિશન તેના ડોમેસ્ટિક ટુર્નામેન્ટના પ્રદર્શનને આધારે T20 બાદ વન-ડે ફૉર્મેટમાં પણ વાપસી કરશે એવા અહેવાલ છે. ભારતની T20 ટીમમાં વાપસી કરનાર ઈશાન કિશન છેલ્લે ઑક્ટોબર ૨૦૨૩માં વન-ડે ફૉર્મેટ રમ્યો હતો. રિષભ પંત ઑગસ્ટ ૨૦૨૪ બાદ વન-ડે ઇન્ટરનૅશનલ મૅચમાં રમ્યો નથી. તેને સાઉથ આફ્રિકા સામેની સિરીઝની જેમ વન-ડે ટીમમાં સ્થાન તો મળે છે, પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી નથી મળી રહી. ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે ઈશાન કિશનને વાપસીનો પુરસ્કાર આપવાના ચક્કરમાં ક્રિકેટ બોર્ડ રિષભ પંતને ટીમમાંથી બહાર પણ કરી શકે છે.


