ઇન્દોરના હોળકર સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા સાતેસાત વન-ડે મૅચ જીત્યું છે, કિવીઓ અહીં ક્યારેય નથી જીત્યા
ઇન્દોરના હોળકર સ્ટેડિયમમાં વૉર્મ-અપ કરતા જોવા મળ્યા વિરાટ કોહલી, રોહિત શર્મા સહિતના પ્લેયર્સ.
ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ત્રણ વન-ડે સિરીઝની આજે અંતિમ અને નિર્ણાયક મૅચ રમાશે. ભારત સામે પહેલી વન-ડે ૪ વિકેટે હાર્યા બાદ બીજી મૅચ ૭ વિકેટે જીતીને કિવીઓએ સિરીઝને ૧-૧થી લેવલ કરી લીધી હતી. રાજકોટમાંની મૅચ જીતીને ૮ વર્ષથી વધુ સમય બાદ કિવીઓ ભારતમાં વન-ડે મૅચ જીત્યા હતા. ન્યુ ઝીલૅન્ડ પાસે આજે ભારતમાં પહેલી વખત વન-ડે સિરીઝ જીતવાની તક રહેશે.
ઇન્દોરના હોળકર સ્ટેડિયમમાં ૨૦૦૬થી ૨૦૨૩ સુધી ભારત ૭ વન-ડે મૅચ રમ્યું છે અને સાતેસાતમાં જીત મેળવી છે. ન્યુ ઝીલૅન્ડ આ મેદાન પર ૨૦૧૬માં ટેસ્ટ-મૅચ અને ૨૦૨૩માં વન-ડે મૅચ રમ્યું હતું અને બન્નેમાં હાર્યું હતું. આ સ્ટેડિયમમાં છેલ્લે જાન્યુઆરી ૨૦૨૪માં મેન્સ ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ હતી.
ઇન્દોરના ખરાબ પાણીના ડરથી શુભમન ગિલ ૩ લાખનું વૉટર-પ્યુરિફાયર સાથે લઈ ગયો
ADVERTISEMENT
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં હાલમાં દૂષિત પાણીને કારણે થયેલી જાનહાનિના સમાચારથી આખો દેશ હચમચી ગયો હતો. ઇન્દોરના દૂષિત પાણીના ડરથી ભારતીય કૅપ્ટન શુભમન ગિલ પોતાના માટે ખાસ વ્યવસ્થા કરીને ઇન્દોરની હોટેલમાં પહોંચ્યો છે. અહેવાલ અનુસાર કૅપ્ટને ઇન્દોરમાં આશરે ૩ લાખ રૂપિયાનું એક ખાસ વૉટર-પ્યુરિફાયર લીધું છે. આ મશીન RO-ટ્રીટેડ અને પૅકેજ્ડ બૉટલ્ડ પાણી બન્નેને ફરીથી શુદ્ધ કરી શકે છે. શુભમન ગિલે આ મશીન તેની હોટેલરૂમમાં લગાવ્યું છે.


