Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત સામે બાઉન્સબૅક કરીને સાઉથ આફ્રિકાએ સિરીઝ ૧-૧થી લેવલ કરી

ભારત સામે બાઉન્સબૅક કરીને સાઉથ આફ્રિકાએ સિરીઝ ૧-૧થી લેવલ કરી

Published : 04 December, 2025 09:38 AM | IST | Raipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોહલી અને ગાયકવાડે ૧૯૫ રનની રેકૉર્ડ ભાગીદારી કરીને ટીમનો સ્કોર પાંચ વિકેટે ૩૫૮ રન કર્યો હતો, સાઉથ આફ્રિકાએ એક સદી અને બે ફિફ્ટીના આધારે ૬ વિકેટે રેકૉર્ડ રનચેઝ કરી

ઋતુરાજ ગાયકવાડની સૌપ્રથમ અને વિરાટ કોહલીની સતત બીજી સેન્ચુરી એળે ગઈ

ઋતુરાજ ગાયકવાડની સૌપ્રથમ અને વિરાટ કોહલીની સતત બીજી સેન્ચુરી એળે ગઈ


છત્તીસગઢના રાયપુરમાં બીજી વન-ડે મૅચ ૪ વિકેટે જીતીને સાઉથ આફ્રિકાએ ભારત સામેની ત્રણ મૅચની સિરીઝને ૧-૧થી લેવલ કરી લીધી છે. ભારતે વિરાટ કોહલીની ૮૪મી ઇન્ટરનૅશનલ સદી અને ઋતુરાજ ગાયકવાડની પહેલી વન-ડે સદીના આધારે પાંચ વિકેટે ૩૫૮ રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ ૪૯.૨ ઓવરમાં ૬ વિકેટે ૩૬૨ રન કરીને વિદેશી ધરતી પર પોતાનો હાઇએસ્ટ વન-ડે ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો હતો. ભારત સામે વિદેશી ટીમ તરીકે ઑસ્ટ્રેલિયાએ ૨૦૧૯માં મોહાલીમાં હાઇએસ્ટ ૩૫૯ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

ભારતને ઓપનર યશસ્વી જાયસવાલે ૩૮ બૉલમાં ૨૨ અને રોહિત શર્માએ ૮ બૉલમાં ૧૪ રન કરી સાધારણ શરૂઆત કરાવી આપી હતી. સ્ટાર બૅટર વિરાટ કોહલીએ ૯૩ બૉલમાં સાત ફોર અને બે સિક્સર ફટકારીને ૧૦૨ રન કર્યા હતા, જ્યારે ચોથા ક્રમે રમી ઋતુરાજ ગાયકવાડે ૮૩ બૉલમાં ૧૨ ફોર અને બે સિક્સરના આધારે ૧૦૫ રન કર્યા હતા. બન્નેએ ત્રીજી વિકેટ માટે ૧૫૬ બૉલમાં ૧૯૫ રનની ભાગીદારી કરી હતી. સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન કે. એલ. રાહુલ પણ ૪૩ બૉલમાં ૬ ફોર અને બે સિક્સરની મદદથી ૬૬ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો.



રેકૉર્ડ રનચેઝ કરવા ઊતરેલા સાઉથ આફ્રિકા માટે ઓપનર એઇડન માર્કરમે ૯૮ બૉલમાં ૧૦ ફોર અને ચાર સિક્સરના આધારે ૧૧૦ રન કર્યા હતા. કૅપ્ટન ટેમ્બા બવુમાએ ૪૮ બૉલમાં ૪૬ રન, મૅથ્યુ બ્રીટ્ઝકે ૬૪ બૉલમાં ૬૮ રન અને ડેવાલ્ડ બ્રેવિસે ૩૪ બૉલમાં ૫૪ રન કરીને રનચેઝને સફળ બનાવ્યું હતું.


ભારતના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૮.૨ ઓવરના સ્પેલમાં સૌથી વધુ ૮૫ રન આપીને બે વિકેટ લીધી હતી. યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ૧૦ ઓવરમાં ૫૪ રન આપીને બે વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને સ્પિનર કુલદીપ યાદવને એક-એક સફળતા મળી હતી. ભારતીય બોલર્સની ધાર વગરની બોલિંગ અને ફીલ્ડર્સની કંગાળ ફીલ્ડિંગ ભારતની હારનું મુખ્ય કારણ બન્યાં હતાં.

૧૦ લાખ વારમાં આવું એક વાર બને : વન-ડે ફૉર્મેટમાં લાગલગાટ ૨૦ ટૉસ હાર્યું ભારત


ભારતનો સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન કે. એલ. રાહુલ સાઉથ આફ્રિકા સામેની બીજી વન-ડે મૅચમાં પણ ટૉસ હાર્યો હતો. વન-ડે ફૉર્મેટમાં ભારત રેકૉર્ડ સળંગ વીસમી વખત ટૉસ હાર્યું છે. ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપથી હમણાં સુધી ભારત ત્રણ કૅપ્ટનના નેતૃત્વમાં રમ્યું પણ હજી સુધી ટૉસ હારવાનો સિલસિલો તોડી નથી શક્યું. સતત વીસ વાર ટૉસ હારવા જેવી ઘટના ૧૦ લાખ વારમાં એક વાર બનતી હોય છે.

સાઉથ આફ્રિકા સામે જ્યારે બે સેન્ચુરી થઈ છે ત્યારે હાર્યું છે ભારત

ભારત તરફથી વન-ડે ફૉર્મેટની મૅચમાં જ્યારે પણ સાઉથ આફ્રિકા સામે બે વ્યક્તિગત સેન્ચુરી થઈ છે ત્યારે ટીમ હારી છે. આ પહેલાં ૧૯૯૧માં રવિ શાસ્ત્રી-સંજય માંજરેકર અને ૨૦૦૧ની મૅચમાં સૌરવ ગાંગુલી-સચિન તેન્ડુલકરે સદી ફટકારી હતી, પરંતુ સાઉથ આફ્રિકા સામે વન-ડેમાં ભારતને હાર મળી હતી. અન્ય ટીમો સામે આવા કિસ્સામાં ભારતને ૩૭ મૅચમાં જીત મળી છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. ૪૪ વખત વન-ડે ફૉર્મેટની મૅચમાં ભારત તરફથી બે સદી જોવા મળી છે. 

ઋતુરાજ ગાયકવાડની બન્ને સદી વખતે થયો ભારત સામે હાઇએસ્ટ રનચેઝ

૨૦૨૩માં ઋતુરાજ ગાયકવાડે ૧૨૩ રન કરીને T20 ઇન્ટરનૅશનલમાં પોતાની પહેલી સેન્ચુરી નોંધાવી હતી. જોકે એ મૅચમાં ભારત સામેનો હાઇએસ્ટ ૨૨૩ રનનો T20 ટાર્ગેટ ઑસ્ટ્રેલિયાએ ચેઝ કર્યો હતો. ગઈ કાલે તેની પહેલી વન-ડે સદી બાદ સાઉથ આફ્રિકાએ ભારત સામેનો હાઇએસ્ટ ૩૫૯ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો હતો. ૨૦૧૯માં ઑસ્ટ્રેલિયાએ ભારત સામે આ કમાલ કરી હતી. રાયપુરના સ્ટેડિયમમાં ભારતે પહેલી વખત હારનો સામનો કરવો પડ્યો છે. અહીં માત્ર ત્રીજી ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ હતી.

એક બૅટિંગ પોઝિશન પર હાઇએસ્ટ સદીનો તેન્ડુલકરનો રેકૉર્ડ તૂટ્યો

વિરાટ કોહલીએ પોતાની ૫૩મી વન-ડે સદીમાંથી ૪૬ સદી નંબર ૩ના ક્રમના બૅટર તરીકે ફટકારી છે. તેણે એક બૅટિંગ પોઝિશન માટે હાઇએસ્ટ વન-ડે સદીનો રેકૉર્ડ કર્યો છે. તેણે આ મામલે સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ તોડ્યો છે જેણે ઓપનર તરીકે ૪૫ વન-ડે સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ વન-ડે ફૉર્મેટમાં ૩૩મી વખત ૧૫૦ રનની ભાગીદારીમાં સામેલ રહીને તેન્ડુલકરનો ૩૨ વખતનો રેકૉર્ડ પણ તોડ્યો છે. 

નંબર ગેમ

720
ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની અત્યાર સુધીની હાઇએસ્ટ આટલા રનવાળી વન-ડે મૅચ બની.

195
આટલી હાઇએસ્ટ રનની કોઈ પણ વિકેટની પાર્ટનરશિપ ભારત તરફથી સાઉથ આફ્રિકા સામેની વન-ડેમાં કરી વિરાટ-ઋતુરાજે.

34
આટલા વેન્યુ પર વન-ડે સદી ફટકારવાના મામલે કોહલીએ સચિન તેન્ડુલકરના રેકૉર્ડની બરાબરી કરી.

44
રેકૉર્ડ આટલી વખત ભારતની વન-ડે ઇનિંગ્સમાં એકથી વધુ સદી જોવા મળી.

11
રેકૉર્ડ આટલી વખત વિરાટ કોહલીએ સતત બે વન-ડે ઇનિંગ્સમાં સદી ફટકારી. એ.બી. ડિવિલિયર્સ બીજા ક્રમે ૬ વખત આવું કરી ચૂક્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

04 December, 2025 09:38 AM IST | Raipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK