મૂળ તામિલનાડુના નાગપટ્ટીનમમાં તેના પૂર્વજો રહેતા હતા, ૧૧ વર્ષની ઉંમરે પપ્પા ગુમાવ્યા, મમ્મીએ ક્રિકેટની કરીઅર બનાવવામાં મદદ કરી
સેનુરન મુથુસામીએ ૨૦૬ બૉલમાં ૧૦૮ રન બનાવ્યા
ગુવાહાટીમાં ભારત સામેની બીજી ટેસ્ટમાં પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર સાઉથ આફ્રિકાનો સેનુરન મુથુસામી ક્વાઝુલુ-નાતાલના ભારતીય મૂળનો ઑલરાઉન્ડર છે. ડર્બનમાં જન્મેલા ૩૧ વર્ષના આ ક્રિકેટરે આઠ ટેસ્ટ, પાંચ વન-ડે અને પાંચ T૨૦ મૅચ રમી છે જેમાં કુલ ૪૩૪ રન બનાવ્યા છે અને ૩૩ વિકેટ ઝડપી છે. આ ડાબેરી બૅટર અને સ્પિનર SA20માં પ્રિટોરિયા કૅપિટલ્સનું પ્રતિનિધિત્વ કરે છે.
મુથુસામી ૨૦૬ બૉલમાં ૧૦૯ રન બનાવી આઉટ થયો હતો. તેની ઇનિંગ્સમાં ૧૦ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો. મુથુસામીએ કાઇલ વરેન સાથે મળીને સાતમી વિકેટ માટે ૮૮ રનની ભાગીદારી કરી હતી. તેણે ભારતીય બોલરોને સ્તબ્ધ કરી દીધા હતા. મુથુસામીની બૅટિંગ ભારતીય બોલરોની નિષ્ફળતાનું ઉદાહરણ છે.
ADVERTISEMENT
પરિવાર અને શરૂઆતનું જીવન
સેનુરન એક તામિલ હિન્દુ પરિવારમાંથી આવે છે. સેનુરન મુથુસામીના પૂર્વજો તમિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લાના હતા. સેનુરન મુથુસામીનો જન્મ ૧૯૯૪ની ૨૨ ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકાના ડર્બનમાં થયો હતો. સાઉથ આફ્રિકામાં રહેતો હોવા છતાં પણ તે ભારતીય પરંપરા, મંદિરની મુલાકાતો અને યોગ સાથે જોડાયેલો રહે છે. ૬ ફીટ ૩ ઇંચ ઊંચા આ ખેલાડીએ બાળપણથી જ ક્રિકેટમાં રસ દાખવ્યો હતો.
પિતાનું અવસાન
તેના પિતાએ તેને ક્રિકેટનો પરિચય કરાવ્યો હતો, પરંતુ જ્યારે તે ૧૧ વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. આ તેના જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો. આ પછી તેની મમ્મીએ જ તેની સંભાળ રાખી હતી અને તેને કોચિંગ અપાવ્યું અને તેની ક્રિકેટ-કારકિર્દીને આગળ વધારવામાં દરેક પગલા પર તેને ટેકો આપ્યો હતો. તે તેની દાદીની પણ ખૂબ નજીક હતો જેણે તેને બાળપણમાં પ્રૅક્ટિસ કરવામાં મદદ કરી હતી.
ભારત સામે ડેબ્યુ
મુથુસામીએ ૨૦૧૯માં વિશાખાપટ્ટનમમાં ભારત સામે ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું. હવે છ વર્ષ પછી તેણે ભારત સામે જ પોતાની પહેલી ટેસ્ટ-સદી ફટકારી છે. ડેબ્યુ-મૅચમાં વિરાટ કોહલીની વિકેટ લઈને તે ચર્ચામાં આવ્યો હતો. આ વિકેટ તેની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિકેટ હતી. જોકે તેને વધુ તકો મળી નથી.


