ભારતીય ટીમ માટે અભદ્ર કમેન્ટ કરનાર મહેમાન ટીમના કોચને સુનીલ ગાવસકરે અરીસો બતાવ્યો...
સુનીલ ગાવસકર
ગુવાહાટી ટેસ્ટ-મૅચ દરમ્યાન સાઉથ આફ્રિકાના હેડ કોચ શુક્રી કૉનરાડે ભારતીય ટીમ માટે એક શરમજનક કમેન્ટ કરી હતી. તેણે ભારતીય ટીમની દયનીય સ્થિતિ માટે Grovel શબ્દનો ઉપયોગ કરીને નીચે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ભૂતકાળમાં ગોરાઓ અશ્વેત ગુલામોને કોણીથી જમીન પર ઘસડાઈને ચાલવાની સજા કરતા હતા જેને ગ્રોવેલ કહેવાય છે.
સાઉથ આફ્રિકન કોચની આ અભદ્ર કમેન્ટ પર તેને અરીસો બતાવતાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘આ શબ્દનો દુરુપયોગ હતો. સાઉથ આફ્રિકાએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પોતાની રીએન્ટ્રી પર નજર નાખવાની જરૂર છે. ભારતીય ક્રિકેટ બોર્ડે પોતે ૨૧ વર્ષથી વધુ એકલતા પછી સાઉથ આફ્રિકાને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પાછા લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને પાછા ફર્યા પછી તેમની પહેલી ઇન્ટરનૅશનલ મૅચ ભારતમાં રમાઈ હતી.’
ADVERTISEMENT
૧૯૭૦માં રંગભેદની નીતિને કારણે સાઉથ આફ્રિકા પર અનિશ્વિત પ્રતિબંધ લાગ્યો હતો. પ્રતિબંધ હટી ગયા બાદ તેઓ નવેમ્બર ૧૯૯૧માં કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ભારત સામે વન-ડે મૅચ રમ્યા હતા.
સુનીલ ગાવસકરે વધુમાં કહ્યું હતું કે ‘વર્તમાન સમયમાં સાઉથ આફ્રિકાની SA20 લીગમાં ૬ ટીમમાંથી પાંચના માલિક ભારતીય છે. આ માલિક લોકો સાઉથ આફ્રિકાના પ્લેયર્સને ખૂબ જ ટેકો આપે છે. ઍક્ટિવ પ્લેયર્સથી લઈને રિટાયર પ્લેયરની પણ સારી સંભાળ રાખવામાં આવે છે. ભારતીય અને સાઉથ આફ્રિકાના ક્રિકેટનો દાયકાઓથી સારો, સહયોગી સંબંધ રહ્યો છે.’
અંતે શુક્રી કૉનરાડ વિશે વાત કરતાં ગાવસકરે કહ્યું કે ‘મને આશા છે કે તે તેની આગામી મીડિયા-વાતચીતમાં આ વાતનો ઉલ્લેખ કરશે. મને નથી લાગતું કે માફી માગવી જરૂરી છે, હું વ્યક્તિગત રીતે માફીમાં માનતો નથી, પરંતુ એને સ્વીકારીને સુધારો કરવો એ દરેકને સ્વીકાર્ય રહેશે. એ સમયના ઉત્સાહમાં થોડું વધારે પડતું બોલાઈ ગયું હશે. છેલ્લાં ૩૦ વર્ષોમાં ભારત અને સાઉથ આફ્રિકાના ક્રિકેટ વચ્ચેના મજબૂત જોડાણને જોતાં મને લાગે છે કે તે ફક્ત સ્પષ્ટતા કરી શકે છે કે તે થોડો ઉત્સાહિત હતો.’


