ભારતીય ટીમ પોતાનો બીજો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કરીને પહેલી વન-ડે જીતી
દીપ્તિ શર્માએ એક હાથે સિક્સર ફટકારવાનું શ્રેય પંતને આપ્યું
ઇંગ્લૅન્ડ વિમેન્સ ટીમ સામે પહેલી વન-ડે ૪ વિકેટે જીતીને હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી છે. સધમ્પ્ટનમાં ઇંગ્લૅન્ડે સોફિયા ડંકલે (૮૩ રન) અને ડેવિડસન રિચર્ડ્સ (૫૩ રન)ની પાંચમી વિકેટની ૧૦૬ રનની ભાગીદારીના આધારે ૬ વિકેટે ૨૫૮ રન કર્યા હતા. ભારતે પ્લેયર ઑફ ધ મૅચ દીપ્તિ શર્માની ૬૨ રનની અણનમ ઇંનિગ્સની મદદથી ૪૮.૨ ઓવરમાં ૬ વિકેટે ૨૬૨ રન કરીને જીત નોંધાવી હતી. ૨૦૨૧માં ઑસ્ટ્રેલિયા સામે ૨૬૫ રન બાદ ભારતનો આ બીજો હાઇએસ્ટ વન-ડે રન-ચેઝ હતો.
આ મૅચમાં ત્રણ ફોર અને એક સિક્સ ફટકારનાર ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા વન-ડેમાં રન-ચેઝ સમયે ભારત માટે છઠ્ઠા કે એથી ઓછા ક્રમે હાઇએસ્ટ ૬૨ રનની ઇનિંગ્સ રમનાર મહિલા પ્લેયર બની હતી. જેમિમા રૉડ્રિગ્સ (૪૮ રન) સાથે પાંચમી વિકેટની ૯૦ રનની ભાગીદારી કરનાર દીપ્તિએ મૅચ દરમ્યાન એક હાથે શૉટ મારી બૉલને બાઉન્ડરી પાર પહોંચાડ્યો હતો. મૅચ બાદે તેણે ખુલાસો કર્યો કે ‘હું આવી તકની રાહ જોઈ રહી હતી. હું પ્રૅક્ટિસમાં એક હાથે આવા શૉટ રમું છું. હું એ ભારતીય વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત પાસેથી શીખી છે.’
ADVERTISEMENT
ડિસેમ્બર ૨૦૨૪થી છેલ્લી ૧૨માંથી ૧૧ વન-ડે મૅચ જીતનારી ભારતીય ટીમ આવતી કાલે ૧૯ જુલાઈએ લૉર્ડ્સમાં રમશે.
વિમેન્સ વન-ડેની ટૉપ-ટેન બૅટર્સમાં સ્મૃતિની થઈ એન્ટ્રી
ભારતીય વિમેન્સ ટીમની વાઇસ-કૅપ્ટન અને ઓપનર સ્મૃતિ માન્ધનાએ ઇંગ્લૅન્ડ સામે પહેલી વન-ડેમાં ૨૮ રનની ઇનિંગ્સ રમીને આ ફૉર્મેટમાં ૪૫૦૦ રન પૂરા કર્યા હતા. ૧૦૩ મૅચમાં ૪૫૦૧ રન સાથે તેણે વિમેન્સ વન-ડેમાં હાઇએસ્ટ રન ફટકારનાર બૅટર્સમાં દસમું સ્થાન મેળવ્યું હતું. ટૉપ-ટેનમાં તેના સિવાય માત્ર ભારત તરફથી ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજ છે જે ૨૩૨ મૅચમાં ૭૮૦૫ રન સાથે નંબર-વનના સ્થાન પર બિરાજમાન છે.

