આ જ મહિને ભારતીય મહિલાઓએ વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ જીત્યો એ પછી કાલે જોઈ ન શકતી વીરાંગનાઓએ કરી કમાલ : પહેલી જ વાર રમાયેલા વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ ફૉર ધ બ્લાઇન્ડની ફાઇનલમાં નેપાલને હરાવીને જીત્યો કપ : આખી ટુર્નામેન્ટમાં અજેય રહી આપણી ટીમ
ગઈ કાલે શ્રીલંકાના કોલંબોમાં રમાયેલી ફાઇનલમાં વિનિંગ રન બન્યા પછી ભારતીય મહિલા ક્રિકેટરો તિરંગા સાથે મેદાનમાં દોડી ગઈ હતી
ભારતીય ટીમે વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ જીત્યાના માત્ર ૨૧ દિવસ બાદ વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ ફૉર ધ બ્લાઇન્ડમાં પણ ભારત વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે. કોલંબોમાં ગઈ કાલે યોજાયેલી પહેલવહેલી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ ફૉર ધ બ્લાઇન્ડ ટુર્નામેન્ટની ફાઇનલમાં નેપાલને ૭ વિકેટે હરાવીને ભારતીય ટીમે જીત મેળવી હતી. હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સી હેઠળ મહિલાઓની ટીમે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવ્યું હતું. હવે જોઈ નહીં શકતી મહિલાઓએ નેપાલને હરાવીને વર્લ્ડ કપ જીત્યો છે. આ ટુર્નામેન્ટમાં લીગ તબક્કામાં પણ ભારતીય ટીમ અજેય રહી હતી અને છ ટીમોની ઇવેન્ટમાં દરેક પ્રતિસ્પર્ધીને હરાવીને એણે જીત મેળવી હતી.

ADVERTISEMENT
વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ ફૉર ધ બ્લાઇન્ડની ટ્રોફી સાથે ચૅમ્પિયન ઇન્ડિયન ટીમ
નેપાલ ફક્ત એક બાઉન્ડરી મારી શક્યું
ફાઇનલમાં ભારતે પહેલાં ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું અને શરૂઆતથી જ મૅચ પર મજબૂત નિયંત્રણ બનાવ્યું હતું. નેપાલ ૨૦ ઓવરમાં ૫ વિકેટે માત્ર ૧૧૪ રન પર સીમિત રહ્યું. નેપાલે સમગ્ર ઇનિંગ્સમાં ફક્ત એક જ બાઉન્ડરી ફટકારી હતી.
૧૨.૧ ઓવરમાં મૅચ જીતી લીધી
નેપાલે આપેલા ૧૧૫ રનના ટાર્ગેટનો પીછો કરવાનો ક્રમ સીધો અને મજબૂત રહ્યો હતો. ફુલા સરેનની ૨૭ બૉલમાં ૪૪ રનની મૅચવિનિંગ ઇનિંગ્સથી ભારતે માત્ર ૧૨.૧ ઓવરમાં ૩ વિકેટે ૧૧૭ રન બનાવ્યા હતા, જેમાં ચાર બાઉન્ડરીનો સમાવેશ થતો હતો. ફુલા સરેનની ઇનિંગ્સે અંતિમ તબક્કા પહેલાં જ હરીફ ટીમને શાંત કરી દીધી હતી અને ટીમને જરૂરી રન-રેટથી ઘણી આગળ રાખી હતી.

વિજય પછી ભારતીય ટીમની કૅપ્ટન દીપિકા ટી.સી.એ ઇમોશનલ થઈને જ્યાં વિજય મેળવ્યો એ ધરતીને ચૂમી લીધી હતી
અજેય રહી ટીમ
ટુર્નામેન્ટની ફાઇનલમાં પણ ટીમ ઇન્ડિયાનો દેખાવ પ્રભાવશાળી રહ્યો હતો. ભારતે લીગ તબક્કામાં શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા, નેપાલ, અમેરિકા અને પાકિસ્તાનને હરાવ્યાં હતાં અને સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને નવ વિકેટથી કચડી નાખ્યું હતું.

કોલંબોમાં ગઈ કાલે શ્રીલંકાનાં પ્રાઇમ મિનિસ્ટર હરિની અમરસૂર્યાના હસ્તે ટ્રોફી સ્વીકારી રહેલી ચૅમ્પિયન ભારતીય ટીમની કૅપ્ટન ટી. સી. દીપિકા
ભારત અને શ્રીલંકા યજમાન
ભારત અને શ્રીલંકાએ સંયુક્ત રીતે આ વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. વર્લ્ડ કપ ૧૧ નવેમ્બરે શરૂ થયો હતો અને નવી દિલ્હી, બૅન્ગલોર અને કોલંબોમાં મૅચો રમાઈ હતી.
પાકિસ્તાનની મેહરીન અલી પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ

પાકિસ્તાનની મેહરીન અલી પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બની હતી. તેણે ૬૦૦થી વધુ રન બનાવ્યા હતા જેમાં શ્રીલંકા સામે ૭૮ બૉલમાં ૨૩૦ અને ઑસ્ટ્રેલિયા સામે ૧૩૩ રનનો સમાવેશ થાય છે.
બ્લાઇન્ડ ક્રિકેટના અનોખા નિયમો
તમામ મેચો પ્રમાણભૂત બ્લાઇન્ડ-ક્રિકેટ નિયમો હેઠળ રમાઈ હતી. મૅચ સફેદ પ્લાસ્ટિક બૉલથી રમાય છે. આ બૉલ ગોળાકાર ધાતુના બેરિંગ્સથી ભરેલો હોય છે. જ્યારે બૉલ બૅટર તરફ વળે છે ત્યારે એ એક ખખડાટનો અવાજ કરે છે, જે તેને શૉટ રમવામાં મદદ કરે છે. બોલિંગ કરતાં પહેલાં બોલર બૅટરને પૂછે છે કે શું તે રમવા માટે તૈયાર છે. બોલર બૉલ ફેંકતાં પહેલાં રમો એવી બૂમ પાડે છે.


