છ પ્લેયર્સ પર ૮૬.૨૩ કરોડ રૂપિયા ખર્ચવા છતાં પાંચ મૅચમાં માત્ર એક વાર ૨૦૦ પ્લસ રનનો સ્કોર કરીને જીતી શક્યું છે હૈદરાબાદ. SRHને સાત વિકેટે ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવા પડ્યો હતો. સીઝનમાં ચોથી હારને કારણે ફ્રૅન્ચાઇઝીની માલકિન કાવ્યા મારન ઉદાસ થઈ
કાવ્યા મારન
રવિવારે રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં હોમ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને સાત વિકેટે ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવા પડ્યો હતો. સીઝનમાં સતત ચોથી હારને કારણે ફ્રૅન્ચાઇઝીની માલકિન કાવ્યા મારન પણ સ્ટૅન્ડમાં ઉદાસ જોવા મળી હતી. તેણે કરોડો રૂપિયામાં જે પ્લેયર્સને પોતાની સ્ક્વૉડમાં સામેલ કર્યા હતા તેમના કંગાળ પ્રદર્શનનો ગુસ્સો તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળ્યો હતો. મૅચ દરમ્યાનનાં તેનાં રીઍક્શન સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયાં હતાં. ગયા વર્ષની રનર-અપ ટીમ હાલમાં પૉઇન્ટ્સ-ટેબલમાં તળિયાની ટીમ છે.
હૈદરાબાદે ૨૩ માર્ચે રાજસ્થાન રૉયલ્સ સામે ૨૮૬ રનનો વિશાળ સ્કોર કરીને સીઝનની ધમાકેદાર શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ આગામી ચાર મૅચમાં ૧૯૦, ૧૬૩, ૧૨૦ અને ૧૫૨ રનનો જ સ્કોર કરી શક્યું છે. ૩૦૦ પ્લસ રન કરવા માટેની આ મજબૂત દાવેદાર ટીમ પોતાની પહેલી પાંચ મૅચમાં માત્ર એક વાર ૨૦૦ રનના આંકડો પાર કરી શકી છે.
હૈદરાબાદે ક્લાસેન (૨૩ કરોડ), કમિન્સ (૧૮ કરોડ), ટ્રૅવિસ હેડ (૧૪ કરોડ), અભિષેક શર્મા (૧૪ કરોડ) અને નીતીશ કુમાર રેડ્ડી (૬ કરોડ)ને રીટેન કરવા માટે ૭૫ કરોડ આપ્યા હતા તથા ઈશાન કિશનને ૧૧.૨૩ કરોડમાં ખરીદીને કુલ છ સ્ટાર માટે કુલ ૮૬.૨૩ કરોડ રૂપિયા ખર્ચી કાઢ્યા હતા, પણ તેમના કંગાળ પ્રદર્શને હૈરદાબાદના ફૅન્સને નિરાશ કર્યા છે. માત્ર હેડ એક ફિફ્ટી અને ઈશાન કિશન એક સેન્ચુરી ફટકારી શક્યો છે. બોલિંગ-યુનિટમાંથી મોહમ્મદ શમી (૧૦ કરોડ) પાંચ મૅચમાં સૌથી વધુ પાંચ વિકેટ લઈ શક્યો છે.

