તેણે IPL કરીઅર સમાપ્ત કરવાની કોઈ પુષ્ટિ કરી નથી અને સાથે ઑક્શનમાં નામ ન નોંધાવવા પાછળ કોઈ કારણ પણ જણાવ્યું નથી
IPLમાં ગ્લેન મૅક્સવેલ
ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ના મિની ઑક્શનમાંથી ખસી ગયો છે. તેણે IPL કરીઅર સમાપ્ત કરવાની કોઈ પુષ્ટિ કરી નથી અને સાથે ઑક્શનમાં નામ ન નોંધાવવા પાછળ કોઈ કારણ પણ જણાવ્યું નથી. IPL 2025માં તે ઇન્જરીને કારણે પંજાબ કિંગ્સ માટે ૭ મૅચમાં ૪૮ રન કરીને ૪ વિકેટ જ લઈ શક્યો હતો.
તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘IPLમાં ઘણી યાદગાર સીઝન પછી મેં આ વર્ષે ઑક્શનમાં મારું નામ ન દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ એક મોટો નિર્ણય છે અને આ લીગે મને જે આપ્યું છે એના માટે હું ખૂબ આભારી છું. IPLએ મને એક ક્રિકેટર અને વ્યક્તિ તરીકે ઘડવામાં મદદ કરી છે. ભારતની યાદો, પડકારો અને ઊર્જા હંમેશાં મારી સાથે રહેશે. વર્ષોથી તમારા બધાના સમર્થન બદલ આભાર. હું તમને ટૂંક સમયમાં ફરી મળવાની આશા રાખું છું.’
ADVERTISEMENT
IPLમાં કેવો રહ્યો છે ગ્લેન મૅક્સવેલનો રેકૉર્ડ?
કાંગારૂ ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ ૨૦૧૨થી દિલ્હી કૅપિટલ્સ માટે બે સીઝન, મુંબઈ ઇન્ડિયન્સ માટે એક, પંજાબ કિંગ્સ માટે ૬ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે ૪ સીઝન રમ્યો છે. તેણે કુલ ૧૪૧ IPL મૅચમાં ૧૮ ફિફ્ટીની મદદથી ૨૮૧૯ રન કર્યા છે અને સ્પિનર તરીકે ૪૧ વિકેટ પણ ઝડપી છે.
IPL 2026ના મિની ઑક્શન માટે ૧૩૦૦+ પ્લેયર્સે કરાવ્યું રજિસ્ટ્રેશન
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026નું ઑક્શન ૧૬ ડિસેમ્બરે અધુ ધાબીમાં યોજાશે. અહેવાલ અનુસાર મિની ઑક્શન માટે ૧૩૫૫ પ્લેયર્સે નામ નોંધાવ્યું છે. પાંચ ડિસેમ્બર સુધીમાં ટીમ પોતાનું વિશલિસ્ટ સબમિટ કરશે જેમાંથી પ્લેયર્સને શૉર્ટલિસ્ટ કરીને ઑક્શનમાં ઉતારવામાં આવશે. ૩૧ વિદેશી પ્લેયર સહિત ૭૭ સ્લૉટ માટે ઑક્શન થશે. ઑક્શન વિશે મળી રહેલા અહેવાલ અનુસાર ૪૫ પ્લેયર્સની બેઝ-પ્રાઇસ બે કરોડ રૂપિયા છે. આ ૪૫ ખેલાડીઓમાં રવિ બિશ્નોઈ અને વેન્કટેશ ઐયર એમ બે જ ભારતીય પ્લેયર સામેલ છે. વિદેશી પ્લેયર્સમાં સ્ટીવ સ્મિથ, કૅમરન ગ્રીન, નવીન ઉલ હક અને ડેવિડ મિલર ઑક્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.


