દિલ્હીએ ટીમમાંથી રિલીઝ કર્યો હોવાથી IPLમાં રમવાનું ચાલુ રાખવા ફાફ ડુ પ્લેસીને મિની ઑક્શનમાં ઊતરવાની ફરજ પડી હતી
હેમાંગ બદાણી
દિલ્હી કૅપિટલ્સના હેડ કોચ હેમાંગ બદાણીએ આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઑક્શન પહેલાં ફાફ ડુ પ્લેસીને રિલીઝ કરવાના નિર્ણય વિશે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘ફાફ ડુ પ્લેસી જેવા ખેલાડીને મુક્ત કરવો ક્યારેય સરળ નથી. તેને જવા દેવાનો નિર્ણય ખરેખર મુશ્કેલ હતો, કારણ કે તે ઘણાં વર્ષોથી IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ અમને લાગ્યું કે હવે યુવાન વિકલ્પ તરફ આગળ વધવાનો સમય છે જે વધુ આક્રમક શૈલી લાવી શકે અને આપણે જે પ્રકારનું ક્રિકેટ રમવા માગીએ છીએ એના પર બંધ બેસે.’

ADVERTISEMENT
ફાફ ડુ પ્લેસી હાલમાં નેપાલ પ્રીમિયર લીગમાં રમવા ભારતના પાડોશી દેશ નેપાલ પહોંચ્યો છે
દિલ્હીએ ટીમમાંથી રિલીઝ કર્યો હોવાથી IPLમાં રમવાનું ચાલુ રાખવા ફાફ ડુ પ્લેસીને મિની ઑક્શનમાં ઊતરવાની ફરજ પડી હતી. જોકે તેણે પાકિસ્તાન સુપર લીગ (PSL)ની આગામી સીઝન રમવા માટે IPL 2026ના ઑક્શનમાં નામ ન નોંધાવવાનો નિર્ણય લીધો હતો. ૪૧ વર્ષની ઉંમરે ઑક્શનમાં કોઈ ખરીદદાર મળશે કે નહીં એ શંકા વચ્ચે તેણે ૧૪ વર્ષની IPL કરીઅરને ઑલમોસ્ટ સમાપ્ત કરી દીધી છે.
IPL અને PSLમાં કેવો રહ્યો છે રેકૉર્ડ?
૪૧ વર્ષનો ફાફ ડુ પ્લેસી IPLમાં ૪ ટીમ માટે ૧૫૪ મૅચ રમીને ૩૯ ફિફ્ટીની મદદથી ૪૭૭૩ રન ફટકારી ચૂક્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ માટે તે સૌથી વધારે ૭ સીઝન રમ્યો હતો. તે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે ૩, રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ માટે બે અને દિલ્હી કૅપિટલ્સ માટે છેલ્લી અને એકમાત્ર સીઝન રમ્યો હતો. છેલ્લી સીઝનમાં ઇન્જરીને કારણે તે દિલ્હી માટે ૯ મૅચ રમીને ૨૦૨ રન જ કરી શક્યો હતો. તે પાકિસ્તાન સુપર લીગમાં ૨૦૧૯થી ૨૦૨૧ દરમ્યાન બે ટીમ માટે કુલ ૬ મૅચ રમ્યો છે જેમાં તેણે ૧૦૭ રન કર્યા છે.


