જ્યાં છેલ્લી સીઝનમાં ૩૫ બૉલમાં સદી ફટકારી હતી એ જ જયપુરમાં ૩૬ બૉલમાં ૧૦૦ રન ઝૂડી નાખ્યા હૈદરાબાદ સામે
વૈભવ સૂર્યવંશી
જયપુરમાં ગઈ કાલે વૈભવ સૂર્યવંશીએ ૧૫ બૉલમાં ફિફટી અને ૩૬ બૉલમાં સદી નોંધાવીને તોફાન મચાવ્યું હતું. રાજસ્થાન રૉયલ્સનો આ ઓપનર ૨૭૮.૩૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને પાંચ ફોર અને ૧૨ સિક્સના આધારે ૩૭ બૉલમાં ૧૦૩ રન કરીને સાકિબ હુસેનની ઓવરમાં LBW આઉટ થયો હતો. T20 ક્રિકેટમાં તેણે માત્ર ૪૭૩ બૉલમાં ફાસ્ટેસ્ટ ૧૦૦૦ રન પૂરા કર્યા છે. અગાઉ ઑસ્ટ્રેલિયાના મિચલ ઓવેને ૫૩૩ બૉલમાં આ સિદ્ધિ મેળવી હતી. વર્તમાન સીઝનની પહેલી ટક્કરમાં વૈભવ સૂર્યવંશી સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર પ્રફુલ્લ હિંગે સામે પહેલા બૉલમાં કૅચઆઉટ થયો હતો, પણ ગઈ કાલે પ્રફુલ્લ હિંગેની પહેલી ઓવરના છેલ્લા ચાર બૉલમાં તેણે ચાર સિક્સ ફટકારી દીધી હતી. તે IPLની પહેલી ઓવરમાં આ કમાલ કરનાર પહેલો બૅટર બન્યો છે.
IPLમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી
ADVERTISEMENT
ક્રિસ ગેઇલ (૨૦૧૩) - ૩૦ બૉલ
વૈભવ સૂર્યવંશી (૨૦૨૫) - ૩૫ બૉલ
વૈભવ સૂર્યવંશી (૨૦૨૬) - ૩૬ બૉલ
યુસુફ પઠાણ (૨૦૧૦) - ૩૭ બૉલ
હૅન્રિક ક્લાસેન (૨૦૨૫) - ૩૭ બૉલ
ડેવિડ મિલર (૨૦૧૩) - ૩૮ બૉલ
માત્ર 26 મેન્સ T20 ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૪ સદી ફટકારી વૈભવ સૂર્યવંશીએ. પાકિસ્તાનના ઉસ્માન ખાનનો ૩૩ ઇનિંગ્સનો રેકૉર્ડ તોડ્યો.
ગઈ કાલે વૈભવ સૂર્યવંશીએ IPLની એક ઇનિંગ્સમાં ભારતીય તરીકે સૌથી વધુ ૧૨ સિક્સ ફટકારી હતી. IPL ઇતિહાસમાં માત્ર ૧૫ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૫૦ સિક્સ ફટકારવાનો રેકૉર્ડ પણ આ ધુરંધરના નામે થયો છે. ૨૦૨૫માં ૨૮ એપ્રિલે વૈભવે ટુર્નામેન્ટના પહેલા ૧૦૦ રન કરવા દરમ્યાન ગુજરાત ટાઇટન્સ સામે ભારતીય તરીકે ૩૫ બૉલમાં ફાસ્ટેસ્ટ IPL સદી નોંધાવી હતી. ૧૫ બૉલમાં રેકૉર્ડ ત્રીજી વખત ફિફ્ટી ફટકારનાર ૧૫ વર્ષના વન્ડરબૉયની વૈભવી ઇનિંગ્સ અને ધ્રુવ જુરેલના ૩૫ બૉલમાં ૫૧ રનના આધારે રાજસ્થાને ૬ વિકેટે ૨૨૮ રન હૈદરાબાદ સામે ખડકી દીધા હતા.
