Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સ્વાતિ માલીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીને કહ્યું રચનાત્મક રાજકારણ કરવા ઇચ્છતા લોકો BJPમાં જોડાય

સ્વાતિ માલીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીને કહ્યું રચનાત્મક રાજકારણ કરવા ઇચ્છતા લોકો BJPમાં જોડાય

Published : 26 April, 2026 08:56 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્વાતિ માલીવાલ અને પાર્ટી છોડીને BJPમાં ભળી ગયેલા અન્ય ૬ સંસદસભ્યો પર AAPએ દેશદ્રોહી હોવાનો આરોપ મૂક્યો છે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની AAPમાંથી BJPમાં જોડાયાના એક દિવસ પછી સ્વાતિ માલીવાલે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં હતાં. કેજરીવાલ ગુંડાગીરીમાં સામેલ હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે જ્યારે AAP ચીફે તેમની રાજકીય સફર શરૂ કરી હતી ત્યારે તેમણે પરિવર્તનની આશા બતાવી હતી, પરંતુ સત્તામાં આવ્યા પછી તેમણે ઘર બનાવવામાં ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

વડા પ્રધાનની પ્રશંસા



વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક નિર્ણયો લે છે એવું જણાવીને સ્વાતિ માલીવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘હું કોઈ મજબૂરીમાં નહીં પરંતુ BJPમાં એટલા માટે જોડાઈ કારણ કે હું વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં વિશ્વાસ કરું છું. હું રચનાત્મક રાજકારણ કરવા માગતા તમામ લોકોને BJPમાં જોડાવા વિનંતી કરું છું. વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રના વિકાસ માટે ઐતિહાસિક નિર્ણયો લીધા છે.’


શીશમહલની મારપીટની ઘટના

૨૦૨૪માં મુખ્ય પ્રધાનના ઘરે કેજરીવાલના અંગત સહાયક બિભવ કુમાર દ્વારા મને માર મારવામાં આવ્યો હતો એ ઘટનાનો ઉલ્લેખ કરતાં સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે ‘૨૦૦૬થી હું AAPમાં અરવિંદ કેજરીવાલ સાથે કામ કરી રહી છું અને દરેક આંદોલન દરમ્યાન તેમને ટેકો આપ્યો હતો. જોકે કેજરીવાલે તેમના ઘરમાં એક ગુંડા દ્વારા મને માર માર્યો હતો. જ્યારે મેં એની સામે અવાજ ઉઠાવ્યો ત્યારે મને ધમકી આપવામાં આવી હતી અને તેમણે મારા પર આ ઘટના અંગે નોંધાવેલો FIR પાછો ખેંચવા માટે ભારે દબાણ કર્યું હતું. પાર્ટી દ્વારા મને બે વર્ષ સુધી સંસદમાં બોલવાની કોઈ તક આપવામાં આવી નહોતી. આ ખૂબ જ શરમજનક છે. અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી માટે જાણીતા છે. અરવિંદ કેજરીવાલ મહિલાવિરોધી છે. AAP હવે પંજાબને પોતાના વ્યક્તિગત ATMમાં ફેરવી રહી છે. જે લોકો પાર્ટી વિરુદ્ધ અવાજ ઉઠાવે છે તેમણે FIRનો સામનો કરવો પડે છે. જે માણસે મને માર માર્યો હતો તેને Z પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. આજે તેને ભગવંત માનના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.’


કેજરીવાલ દેશદ્રોહી છે

સ્વાતિ માલીવાલ અને પાર્ટી છોડીને BJPમાં ભળી ગયેલા અન્ય ૬ સંસદસભ્યો પર AAPએ દેશદ્રોહી હોવાનો આરોપ મૂક્યો છે એનો જવાબ આપતાં સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે ‘કેજરીવાલ જ સાચા દેશદ્રોહી છે. અરવિંદ કેજરીવાલે ૨૦૧૧માં ભ્રષ્ટાચારવિરોધી ચળવળ શરૂ કરી હતી. ત્યારે તેઓ ફાટેલાં પૅન્ટ પહેરતાં હતાં, બે રૂપિયાની પેન વાપરતા હતા અને સંપૂર્ણપણે જર્જરિત કારમાં ફરતા હતા. તેમણે આખા દેશને ઘણાં મોટાં, મીઠાં સપનાં બતાવ્યાં અને દેશ પ્રભાવિત થયો. પણ તેમણે શું કર્યું? સત્તામાં આવ્યા પછી તેમણે પોતાના માટે ૧૦૦ કરોડ રૂપિયાનું ઘર બનાવ્યું હતું. એક બાર બનાવ્યો, કરોડોની કાર્પેટ લગાવી અને લાખો-કરોડોનાં ફ્રિજ ખરીદ્યાં. તેમનો સોફા ખૂબ જ વૈભવી હતો. જે માણસ VIP પ્રોટોકૉલ વિરુદ્ધ બોલતો હતો, જ્યારે તેનો કાફલો બહાર નીકળે છે ત્યારે અમે ૫૦ કાર ગણીએ છીએ, પરંતુ એ ૫૦થી ઉપર જાય છે. તો રાજદ્રોહ શું છે?’

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 08:56 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK