આ દરેક જીત બાદ તેણે હરીફ ટીમની થીમનો ઉપયોગ કરીને તેમને ચીડવવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન શુભમન ગિલ IPL 2026માં છેલ્લી ત્રણેય મૅચમાં સતત જીત્યો છે. આ દરેક જીત બાદ તેણે હરીફ ટીમની થીમનો ઉપયોગ કરીને તેમને ચીડવવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. રવિવારે પંજાબ કિંગ્સને અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સે પહેલી વખત માત આપી હતી. અગાઉની બન્ને ટક્કરમાં પંજાબ અહીં હોમ-ટીમ સામે જીત્યું હતું.
પંજાબ કિંગ્સ આ સીઝનમાં બસ જીતના હૈ ટૅગલાઇન સાથે રમી રહ્યું છે. પંજાબ સામેની જીત બાદ શુભમન ગિલે સાથી ખેલાડીઓ સાઈ સુદર્શન અને વૉશિંગ્ટન સુંદર સાથે ડ્રેસિંગ રૂમમાં પંજાબી સ્ટાઇલમાં ઉજવણીનો પોઝ આપીને ફોટો-કૅપ્શનમાં લખ્યું હતું, ‘બસ જીતના હૈ, આવા દે.’
ADVERTISEMENT
૩૦ એપ્રિલે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ૧૫૬ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યા બાદ શુભમન ગિલે વિરાટ કોહલી સાથેનો મેદાન પરનો ફોટો શૅર કરીને લખ્યું કે, ‘પ્લે બોલ્ડ. બોલ્ડ પર્ફોર્મન્સ બાય ધ ટીમ ટુનાઇટ.’ પ્લે બોલ્ડ એ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની ટૅગલાઇન છે.
૨૬ એપ્રિલે ગુજરાતે ચેપૉકમાં ૧૫૯ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરીને ચેન્નઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. શુભમન ગિલે ફ્લાઇટમાં યલો વ્હિસલ સાથે પોઝ આપીને આભાર ચેન્નઈ લખ્યું હતું. વ્હિસલ એ ચેન્નઈ સુપર કિંગ્સ અને ચેપૉકની ઓળખ છે.
