ટીમ ઇન્ડિયાની જર્સીમાં છું ત્યાં સુધી લોકો મને જજ કરશે, ૨૦૦ ટેસ્ટ-મૅચ રમનાર સચિનસર સાથે પણ આવું જ થયું હતું
જસપ્રીત બુમરાહ
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હાલમાં રેકૉર્ડબ્રેક પ્રદર્શન કરી રહ્યો છે, પણ તેની ફિટનેસ વિશે વારંવાર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. આ વિશે વાત કરતાં તેણે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું, ‘મને ખબર છે કે લોકો ચર્ચા કરશે. વ્યુઝ, સબ્સ્ક્રાઇબર્સ - આ આધુનિક રીત છે. મને ખબર છે કે લોકો વસ્તુઓને સનસનાટીભરી બનાવવાનું પસંદ કરે છે, પરંતુ એ મારા હાથમાં નથી. લોકો મારા દ્વારા પૈસા કમાઈ રહ્યા છે એ સારું છે. મને ખુશી છે કે હું તેમને એમાં મદદ કરી રહ્યો છું. ઓછામાં ઓછું તેઓ મને દુઆ તો આપશે.’
બુમરાહ આગળ કહે છે, ‘યાદો મહત્ત્વપૂર્ણ છે અને હું શક્ય એટલું યોગદાન આપવા માગું છું. જ્યાં સુધી હું આ ટીમ ઇન્ડિયાની જર્સી પહેરું છું ત્યાં સુધી લોકો મને જજ કરશે. સ્વાભાવિક રીતે એ પ્રોફેશનલ રમતોનો એક અભિન્ન ભાગ છે. તમને હંમેશાં તમારા પ્રદર્શન દ્વારા જજ કરવામાં આવશે. સચિનસર ૨૦૦ ટેસ્ટ-મૅચ રમ્યા, પણ તેમને પણ જજ કરવામાં આવ્યા.’
ADVERTISEMENT
લૉર્ડ્સના આૅનર્સ બોર્ડ પર જસપ્રીત બુમરાહનું નામ
પ્રતિષ્ઠિત લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના આૅનર્સ બોર્ડ પર પોતાનું નામ હોય એ દરેક ક્રિકેટરનું સપનું હોય છે. ઇંગ્લૅન્ડ સામે પાંચ વિકેટ લેતાં બુમરાહનું નામ લૉર્ડ્સના આૅનર્સ બોર્ડ પર અંકિત થયું હતું. એના વિશે તે કહે છે, ‘આૅનર્સ બોર્ડ પર નામ જોવું સારું છે. જ્યારે મારો દીકરો મોટો થશે ત્યારે હું તેને કહી શકીશ કે મારું નામ આ લૉર્ડ્સ આૅનર્સ બોર્ડ અને અન્ય ઘણી જગ્યાએ છે.’
માઇલસ્ટોન પ્રદર્શન બાદ કોઈ અતિશયોક્તિપૂર્ણ ઉજવણી ન કરવા વિશે બુમરાહે ખુલાસો કર્યો કે ‘વાસ્તવિકતા એ છે કે હું થાકી ગયો હતો. હું ૨૧-૨૨ વર્ષના છોકરાની જેમ કૂદી શકતો નથી. મને ખુશી છે કે મેં યોગદાન આપ્યું.’
MCC મ્યુઝિયમ માટે પોતાનાં શૂઝ દાન કર્યાં જસપ્રીત બુમરાહે
લૉર્ડ્સના આૅનર્સ બોર્ડ પર પહેલી વાર પોતાનું નામ લખાવ્યા બાદ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે વધુ એક યાદગાર કામ કર્યું હતું. તેણે લૉર્ડ્સસ્થિત મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (MCC) મ્યુઝિયમને પોતાનાં આૅટોગ્રાફ કરેલાં શૂઝ દાન કર્યાં હતાં. આ શૂઝ પહેરીને જ તેણે લૉર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લૅન્ડ સામે પાંચ વિકેટ લઈને અનેક રેકૉર્ડ તોડ્યા હતા. MCC મ્યુઝિયમ દુનિયાના સૌથી જૂના સ્પોર્ટ્સ મ્યુઝિયમમાંથી એક છે.

