ઍરપોર્ટની નીચે અલગ-અલગ ટર્મિનલને સાંકળતી અન્ડરગ્રાઉન્ડ ટ્રેન : ૩૬૦ ડિગ્રી બૅગેજ સ્કૅનરઃ સિટીમાં જ બૅગેજ આપી દેવાની સુવિધા : ઍરપોર્ટ પર લાંબું ડિસ્ટન્સ કાપવા વિદેશની જેમ ટ્રાવેલેટર
નવી મુંબઈ ઍરપોર્ટ
મુંબઈના ઍરપોર્ટ્સ પરનું દબાણ ઓછું થાય એ માટે નવી મુંબઈમાં ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ ઍરપોર્ટની સાઇટ પર જઈ ત્યાં ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું હતું. હાલ ૧૩,૦૦૦થી ૧૪,૦૦૦ કામદાર કામ કરી રહ્યા છે. સપ્ટેમ્બર એન્ડ સુધી કામ પૂરું કરવામાં આવે એવો હાલ ટાર્ગેટ નક્કી કરાયો છે.
હાલ ચાલી રહેલા કામથી સંતોષ વ્યક્ત કરતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘રનવે, ટર્મિનલ બિલ્ડિંગનું કામ કેટલે સુધી પહોંચ્યું એની અમે માહિતી લીધી છે. ૯૪ ટકા જેટલું કામ આટોપી લેવાયું છે. રનવે તૈયાર થઈ ગયો છે. ટર્મિનલ બિલ્ડિંગ પણ ઊભું તો થઈ જ ગયું છે એનું ઇન્ટીરિયરનું કામ હાલ ચાલી રહ્યું છે. સ્પીડમાં કામ થઈ રહ્યું છે. બૅગેજ હૅન્ડલિંગની સિસ્ટમ પણ અમે જોઈ. બહુ જ ઍફિશ્યન્ટ એવી સિસ્ટમ અહીં ઊભી કરવામાં આવી છે જેમાં બૅગેજનો બાર કૉડ ૩૬૦ ડિગ્રીમાં સ્કૅન કરી શકાશે. એથી એ પ્રૉપર ચૅનલાઇઝ થઈ શકશે. બૅગેજ ક્લેમની વ્યવસ્થા વર્લ્ડમાં સૌથી ફાસ્ટેટ થાય એ પ્રકારની ગોઠવણ કરવાનું કહેવામાં આવ્યું છે. બે રનવે સાથે ભવિષ્યમાં વર્ષના ૯ કરોડ લોકો પ્રવાસ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ કરતાં આ ઍરપોર્ટ બહુ જ મોટું બનશે. આ ઍરપોર્ટ ગ્રીન એનર્જી પર ચાલશે. ૩૮ મેગાવૉટ એનર્જી અહીં વપરાશે. અહીંનાં બધાં વેહિકલ્સ પણ ઇલેક્ટ્રિક અથવા ઑલ્ટરનેટ ફ્યુઅલનાં વેહિકલ્સ હશે. સાથે જ સસ્ટેનેબલ એવિયેશન ફ્યુઅલનું પણ આ સેન્ટર બનશે.’
ADVERTISEMENT
ઍરપોર્ટની કનેક્ટિવિટી વધારવાનું પણ કામ ચાલી રહ્યું છે. અટલ સેતુ અને કોસ્ટલ રોડ જોડવાનું કામ ચાલી રહ્યું છે એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘થાણેથી પણ ઍરપોર્ટ સુધીનો એલિવેટેડ રોડ બનાવવાનું સૂચન એકનાથ શિંદેએ કર્યું હતું. એ પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે જેનું કામ જલદીથી ચાલુ કરવામાં આવશે. એ ઉપરાંત બધા જ મોડ ઑફ ટ્રાન્સપોર્ટ એ પછી લોકલ ટ્રેન, મેટ્રો, એ સિવાય વૉટર ટ્રાન્સપોર્ટ પણ ડેવલપ કરવાની વ્યવસ્થા અમે ગોઠવી રહ્યા છીએ જેથી પૅસેન્જર અહીં સહેલાઈથી પહોંચી શકે. એક એવી પણ વ્યવસ્થા વિચારાઈ રહી છે કે બૅગેજનું ચેકિંગ સિટીમાં જ કરી લેવાય. પૅસેન્જરને એ અહીં સુધી લાવવું ન પડે. ઍરપોર્ટની નીચે એક અન્ડરગ્રાઉન્ડ ટ્રેનનું માળખું હશે જે દરેક ટર્મિનલને કનેક્ટ કરશે. વળી ટ્રાવેલેટરની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આમ મોટા ઍરપોર્ટ પર લોકોએ બહુ પગે ચાલવું નહીં પડે.’

